અંજારમાં ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઇવ: નિયમભંગ કરનારા વાહનચાલકો સામે તવાઈ
14 વાહનો ડિટેઇન કરી રૂ.56,100નો દંડ ફટકારાયો.- કાળા કાચ, રોંગ સાઇડ, હેલ્મેટ વગર અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સહિત અનેક નિયમભંગ સામે કડક પગલાં. કચ્છ, 23 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્
અંજાર ખાતે ટ્રાફિક પોલીસ ની કામગીરી


અંજાર ખાતે ટ્રાફિક પોલીસ ની કામગીરી


- 14 વાહનો ડિટેઇન કરી રૂ.56,100નો દંડ ફટકારાયો.- કાળા કાચ, રોંગ સાઇડ, હેલ્મેટ વગર અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સહિત અનેક નિયમભંગ સામે કડક પગલાં.

કચ્છ, 23 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી પૂર્વ કચ્છની ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. અંજાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આશાબા વે બ્રિજ નજીક જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં વાહનચાલકોના નિયમભંગ સામે દંડાત્મક કાર્યવાહી કરવાની સાથે નિયમોનું પાલન કરાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચના તથા માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કામગીરીમાં જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જે. પ્રજાપતિ અને તેમની ટીમે વાહનોની સઘન ચકાસણી કરી હતી. ખાસ કરીને વાહનોમાં લગાવવામાં આવેલી પ્રતિબંધિત બ્લેક ફિલ્મ દૂર કરાવવામાં આવી હતી. ફેન્સી નંબર પ્લેટ, નંબર પ્લેટ વગરનાં વાહનો, જરૂરી રજિસ્ટ્રેશન દસ્તાવેજો વગર વાહન ચલાવતા તેમજ ડ્રાઇવિંગ લાઇસન્સ વગરના ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન સીટબેલ્ટ ન બાંધનારા 20 વાહનચાલકો સામે રૂ.10 હજાર, નંબર પ્લેટ વગરનાં 18 વાહનો સામે રૂ.5,400 અને હેલ્મેટ વગર વાહન ચલાવનારા 15 ચાલકો સામે રૂ.7,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. કાળા કાચવાળા 14 વાહનો સામે કાર્યવાહી કરી રૂ.1 હજારનો દંડ વસૂલાયો હતો. રોંગ સાઇડમાં વાહન ચલાવનારા 13 ચાલકોને રૂ.13 હજાર અને નો-પાર્કિંગમાં વાહન મૂકનારા 12 ચાલકોને રૂ.6 હજારનો દંડ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ત્રણ સવારીમાં 12 વાહનચાલકો સામે રૂ.1,200, જરૂરી રજિસ્ટ્રેશન દસ્તાવેજો વગર વાહન ચલાવનારા સામે રૂ.3,500 અને વાહન ચલાવતી વખતે મોબાઇલનો ઉપયોગ કરનારા પાંચ ચાલકો સામે રૂ.2,500નો દંડ ફટકારાયો હતો. આ કામગીરી દરમિયાન કુલ 14 વાહનો ડિટેઇન કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

જિલ્લા ટ્રાફિક શાખાની આ ડ્રાઇવનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો નહીં, પરંતુ વાહનચાલકોમાં માર્ગ સલામતીની જવાબદારીનું ભાન કરાવવાનો પણ છે. પોલીસે વાહનચાલકોને હેલ્મેટ અને સીટબેલ્ટનો ફરજિયાત ઉપયોગ કરવા, તમામ જરૂરી દસ્તાવેજો સાથે રાખવા તથા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. માર્ગ પરની બેદરકારી પોતાના સહિત અન્ય લોકોના જીવ માટે જોખમી બની શકે છે, ત્યારે નિયમોનું પાલન જ સલામત મુસાફરીની ચાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande