
ગાંધીધામ બી ડિવિઝન પોલીસની કાર્યવાહી; રૂ.56 હજારના દેશી દારૂ સાથે રૂ.3 લાખની બોલેરો જપ્ત કરી, દારૂ ક્યાંથી લવાયો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ
કચ્છ, 23 નવેમ્બર (હિ.સ.) : ગાંધીધામ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર અંકુશ લાવવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કામગીરી વચ્ચે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે દેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. કિડાણા ચાર રસ્તાથી કાસેઝ ઝોન તરફ જતા માર્ગ પરથી પસાર થતી એક બોલેરો કારને રોકીને પોલીસે તેમાંથી 280 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મુન્દ્રા તાલુકાના વવાર ગામના બે શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. પોલીસે દારૂ અને હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર સહિત કુલ રૂ.3.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમીદારો મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે, કાળા રંગની બોલેરો કાર નંબર GJ-12-FH-1573માં દેશી દારૂનો જથ્થો ભરીને બે શખ્સો કિડાણાથી કાસેઝ ઝોન તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કારને અટકાવી તપાસ કરતાં તેમાંથી 280 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે આ મામલે દિનેશ ભીમાભાઈ ગઢવી (ઉં.વ.29) અને સુરેશ મોતીભાઈ કોલી (ઉં.વ.26), બંને રહે. વવાર, તા. મુન્દ્રા,ની ધરપકડ કરી છે. ઝડપાયેલા દારૂની કિંમત રૂ.56 હજાર અને બોલેરો કારની કિંમત રૂ.3 લાખ આંકવામાં આવી છે. આમ કુલ રૂ.3.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો તપાસનો વિષય બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar