

દીની અને દુનિયાવી શિક્ષણમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન, સમાજમાં શૈક્ષણિક જાગૃતિ ફેલાવવા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિનો પ્રેરણાદાયી પ્રયાસ; પત્રકારોનું પણ મોમેન્ટો આપી બહુમાન
કચ્છ, 23 નવેમ્બર (હિ.સ.) : શિક્ષણ એ માત્ર વ્યક્તિની કારકિર્દી ઘડવાનું માધ્યમ નથી, પરંતુ સમગ્ર સમાજની પ્રગતિ અને આવનારી પેઢીના ભવિષ્યને નવી દિશા આપતી સૌથી મહત્ત્વપૂર્ણ શક્તિ છે. આ જ વિચારને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે નખત્રાણા તાલુકા સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા નખત્રાણા ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે પોતાની પ્રતિભા અને મહેનતના બળે સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને બિરદાવી તેમની સિદ્ધિઓને સમાજ સમક્ષ પ્રેરણારૂપ બનાવવામાં આવી હતી.
સમિતિના પ્રમુખ ઈકબાલભાઈ સોઢાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા મીડિયા પ્રવક્તા ઈકબાલભાઈ જત, જિલ્લા કક્ષાના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ કલામે પાકની પવિત્ર તિલાવત સાથે કરવામાં આવ્યો હતો.
સમારોહની વિશેષતા એ રહી કે દીની શિક્ષણની સાથે દુનિયાવી એટલે કે આધુનિક શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મહાનુભાવોના હસ્તે શિલ્ડ, સન્માનપત્ર અને પ્રોત્સાહક ભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની મહેનતને મળેલી આ જાહેર પ્રશંસાએ ઉપસ્થિત વાલીઓ અને સમાજના અગ્રણીઓમાં પણ આનંદની લાગણી જગાવી હતી.
પ્રસંગે પ્રમુખ ઈકબાલભાઈ સોઢાએ જણાવ્યું હતું કે આજના સમયમાં સમાજની સાચી મૂડી શિક્ષિત અને સંસ્કારી યુવા પેઢી છે. બાળકોને માત્ર અભ્યાસ પૂરતા સીમિત ન રાખતાં તેમને ઉચ્ચ શિક્ષણ, વ્યવહારુ કૌશલ્ય અને જીવનમૂલ્યો સાથે આગળ વધારવા જરૂરી છે. સમિતિ ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન, કારકિર્દી સંબંધિત માહિતી અને જરૂરી સહયોગ પૂરો પાડવા પ્રયત્નશીલ રહેશે.
જિલ્લા મીડિયા પ્રવક્તા ઈકબાલભાઈ જતે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે ટેકનોલોજી, સંશોધન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધવા આહ્વાન કર્યું હતું. તેમણે આવા કાર્યક્રમો નવી પ્રતિભાઓને ઓળખ આપવાની સાથે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણાનું માધ્યમ બને છે તેમ જણાવ્યું હતું.
આ અવસરે સમાજના પ્રશ્નો અને પ્રવૃત્તિઓને અખબારો તથા માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડતા પત્રકાર મિત્રોનું પણ મોમેન્ટો અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ રીતે શિક્ષણની પ્રતિભાઓની સાથે લોકશાહી વ્યવસ્થામાં મહત્ત્વની ભૂમિકા ભજવતા પત્રકારત્વનું પણ ગૌરવ વધારવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મોલાના અલીફ નકશબંદી સહિત સમાજના વિવિધ આગેવાનો, ટ્રસ્ટીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા સમિતિના હોદ્દેદારો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. અંતે આભારવિધિ સાથે સમારોહનું સમાપન થયું હતું. આ અંગેની માહિતી સમિતિના મીડિયા ઇન્ચાર્જ સૈયદ રજાકશાહ ટોડીયાએ યાદીમાં આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar