
પોરબંદર, 23 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાના રાણાવાવમાં પોક્સો અને અપહરણના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને રાણાવાવ પોલીસે ઝડપી પાડ્યો છે. લગ્નની લાલચ આપી અપહરણ અને દુષ્કર્મના આરોપ સાથે નોંધાયેલા ગુનામાં ફરાર આરોપી સંજય એભાભાઈ વાઘેલાને પોલીસે ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો છે.
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો અને અપહરણના ગંભીર ગુનામાં આરોપી ફરાર હતો. ફરાર આરોપીઓને ઝડપી પાડવા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી. આ સૂચના હેઠળ રાણાવાવ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવ સુતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસની ટીમ આરોપીને શોધવા સતત પ્રયાસ કરી રહી હતી.દરમિયાન સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય સંજય એભાભાઈ વાઘેલાને ઝડપી પાડવામાં આવ્યો હતો.
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં તેમજ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીને પકડી પાડ્યા બાદ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya