રાજકોટ પોલિટેક્નિકના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની લેબમાં બનાવ્યું- 5-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજી પ્રોટોટાઇપનું નિર્માણ
પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવાની દિશામાં નવી પહેલ- એસ.એસ.આઈ.પી. હેઠળ મળેલી 88 હજારની ગ્રાન્ટથી વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઇડિયાને મળ્યું પ્રોત્સાહન - આચાર્ય આશિત પંડ્યા રાજકોટ,24 નવેમ્બર (હિ.સ.) ઓટોમોબાઇલ સહિત વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં રાજકોટના ઉત્પાદ
5-D printing technology prototype built in Rajkot Polytechnic's engineering students' lab


- પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવાની દિશામાં નવી પહેલ- એસ.એસ.આઈ.પી. હેઠળ મળેલી 88 હજારની ગ્રાન્ટથી વિદ્યાર્થીઓના ઇનોવેટિવ આઇડિયાને મળ્યું પ્રોત્સાહન - આચાર્ય આશિત પંડ્યા

રાજકોટ,24 નવેમ્બર (હિ.સ.) ઓટોમોબાઇલ સહિત વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોમાં રાજકોટના ઉત્પાદનોની વૈશ્વિક ઓળખ છે. ગુણવત્તા અને ચોકસાઈ ધરાવતા મશીન પાર્ટ્સના ઉત્પાદન માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે, ત્યારે રાજકોટની સરકારી પોલિટેક્નિકના એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓએ પ્રોટોટાઇપ નિર્માણ ક્ષેત્રે નવીન પ્રયોગ હાથ ધરી 5-ડી પ્રિન્ટિંગ મશીન વિકસાવ્યું છે.

મિકેનિકલ શાખાના વિદ્યાર્થીઓ દ્વારા લેબમાં તૈયાર કરાયેલું આ મશીન પરંપરાગત 3-ડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં સુધારા સાથે વધુ ચોકસાઈ ધરાવતા મોડેલ અને મોલ્ડ તૈયાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ છે.

પ્રોજેક્ટના માર્ગદર્શક લેક્ચરર એચ.એન. વોરાના જણાવ્યા અનુસાર, પરંપરાગત 3-ડી પ્રિન્ટિંગ મશીનમાં જરૂરી હાર્ડવેર ફેરફારો કરીને વધારાની બે મોટરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આના પરિણામે પ્રિન્ટિંગ મશીનમાં બે વધારાના રોટેશનલ એક્સેસ ઉપલબ્ધ થતાં કુલ પાંચ એક્સેસ પર કામ શક્ય બન્યું છે.

આ ટેક્નોલોજીથી પ્રિન્ટિંગ દરમિયાન જોવા મળતી સ્ટેરકેસ ઇફેક્ટમાં ઘટાડો થાય છે, જેના પરિણામે તૈયાર થતા પાર્ટ્સની સપાટી વધુ સુઘડ અને ચોકસાઈસભર બનવાની સાથે તેની મજબૂતીમાં પણ સુધારો થાય છે.

કર્વેચર આધારિત 3-ડી ડિઝાઇનિંગ સોફ્ટવેર અને પ્રિન્ટિંગ મશીનની પાંચ મોટરના સંકલનથી જટિલ આકાર ધરાવતા મોડેલ તથા હાઈ પ્રિસિઝન પ્રોટોટાઇપ તૈયાર કરવાની ક્ષમતા વિકસાવવામાં આવી રહી છે.

પાંચ એક્સેસ પર પ્રિન્ટિંગ શક્ય બનવાથી પરંપરાગત પદ્ધતિમાં જરૂરી સપોર્ટ સ્ટ્રક્ચર અને બેઝ મટિરિયલનો ઉપયોગ ઘટાડવામાં મદદ મળી શકે છે. પરિણામે પ્રોટોટાઇપ તૈયાર કરવામાં લાગતો સમય અને પ્લાસ્ટિક મટિરિયલનો બગાડ ઘટાડવાની દિશામાં આ પ્રયોગ ઉપયોગી બની શકે છે. મિકેનિકલ મોલ્ડ, ઇમિટેશન જ્વેલરી સહિત ચોકસાઈ અને જટિલ ડિઝાઇનની જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની સંભાવના છે.

પ્રોજેક્ટમાં સંકળાયેલા વિદ્યાર્થીઓ તેજસ રાદડિયા અને લકી ગોહિલે પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,3-ડી મોડેલની CAD ડિઝાઇનને સ્લાઇસિંગ સોફ્ટવેર મારફતે G-Code કમાન્ડમાં રૂપાંતરિત કરીને પાંચ મોટરના સંકલનથી પ્રિન્ટિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

આ પ્રયોગ દ્વારા વધુ ચોકસાઈ અને જટિલ ડિઝાઇન ધરાવતા મોડેલ તૈયાર કરવાની દિશામાં સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓએ ઉમેર્યું કે, આ ટેક્નોલોજીના પ્રાયોગિક વિકાસથી ભવિષ્યમાં વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોની જરૂરિયાતોને અનુરૂપ નવીન પ્રોટોટાઇપ તૈયાર કરવાની તકો ઊભી થશે.

સરકારી પોલિટેક્નિકના આચાર્ય આશિત પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી (એસ.એસ.આઈ.પી.) હેઠળ મળેલી 88 હજારની ગ્રાન્ટનો ઉપયોગ મશીનના હાર્ડવેરમાં જરૂરી ફેરફારો અને ટેક્નોલોજીના વિકાસ માટે કરવામાં આવ્યો છે.

આ યોજનાના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાના ઇનોવેટિવ આઇડિયાઝ પર કામ કરી શકે છે, ઉદ્યોગોની જરૂરિયાત મુજબ પ્રોટોટાઇપ વિકસાવી શકે છે અને શૈક્ષણિક જ્ઞાનને પ્રાયોગિક તથા વાસ્તવિક જીવનની જરૂરિયાતો સાથે જોડીને નવીનતાના ક્ષેત્રે આગળ વધી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande