
બોટાદ,24 નવેમ્બર (હિ.સ.)નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને આર્થિક રીતે સક્ષમ બનાવી તેમના વ્યવસાયને આગળ વધારવાના હેતુથી બોટાદ નગરપાલિકા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ની કોર્ટ કમ્પાઉન્ડ શાખાના સંયુક્ત ઉપક્રમે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં લારી-ગલ્લા, નાની કેબિન તેમજ રસ્તા પર વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા ફેરિયાઓને યોજનાની માહિતી અને લોન મેળવવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકારની પી.એમ. સ્વનિધિ યોજના શેરી ફેરિયાઓ માટે આર્થિક સહાયનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહી છે. આ યોજના હેઠળ નાના વેપારીઓને વ્યવસાય માટે તબક્કાવાર કાર્યકારી મૂડી ધિરાણ આપવામાં આવે છે. જેમાં પ્રથમ તબક્કે રૂ. ૧૫,૦૦૦, બીજા તબક્કે રૂ. ૨૫,૦૦૦ અને નિયમિત હપ્તાની ભરપાઈ કરનાર લાભાર્થીઓને ત્રીજા તબક્કામાં રૂ. ૫૦,૦૦૦ સુધીની લોન મેળવવાની જોગવાઈ છે.
યોજના હેઠળ સમયસર લોનના હપ્તા ભરનાર લાભાર્થીઓને વ્યાજ સહાય પણ મળે છે. આ ઉપરાંત વેપારના સ્થળે ક્યુ.આર. કોડ દ્વારા ડિજિટલ નાણાકીય વ્યવહારો કરવાથી કેશબેકનો લાભ આપવામાં આવે છે. જેના કારણે નાના વેપારીઓમાં ડિજિટલ વ્યવહારોને પણ પ્રોત્સાહન મળી રહ્યું છે.
કેમ્પ દરમિયાન એક જ દિવસમાં ૩૫ જેટલા ફેરિયાઓને યોજનાનો લાભ મળ્યો હતો. સ્થળ પર જ લોન મેળવવાની પ્રક્રિયા સરળ બનતાં નાના વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ યોજનાથી ફેરિયાઓને વ્યવસાયમાં મૂડીનું પીઠબળ મળવાની સાથે આર્થિક આત્મનિર્ભરતા તરફ આગળ વધવાની તક મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA