
ભાવનગર 24 નવેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રેલવે સુરક્ષા બળ (આરપીએફ)ના જવાનોએ સતર્કતા, ત્વરિત કામગીરી અને માનવીય સંવેદનશીલતાનો પરિચય આપતાં મુસાફર સેવાના બે પ્રશંસનીય ઉદાહરણો રજૂ કર્યા છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, પ્રથમ ઘટના 24 નવેમ્બર 2026ના રોજ જૂનાગઢ રેલવે સ્ટેશન પર બની હતી. લીલી પરિક્રમા-2026 દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે રાત્રિ પાળીમાં ફરજ પર તૈનાત એએસઆઈ ભાવેશ રાઠોડ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન કોન્સ્ટેબલ શ્રી પ્રેમશંકરે સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં રિયલમી કંપનીનો એક મોબાઇલ ફોન બિનવારસી હાલતમાં મળી આવ્યો હોવાની જાણ કરી હતી, જેની કિંમત આશરે ₹5,000 હતી. તે જ સમયે શ્રી ચેતન અશોકભાઈ રુદાતરા (ઉંમર 35 વર્ષ), રહે. હનુમાનપરા, વિસાવદર, પોતાનો મોબાઇલ ફોન શોધતા ત્યાં પહોંચ્યા હતા. જરૂરી તપાસ અને ખરાઈ કર્યા બાદ મોબાઇલ ફોન તેમને સહીસલામત પરત સોંપવામાં આવ્યો હતો. મુસાફરે રેલવે સુરક્ષા બળની સતર્કતા, પ્રામાણિકતા અને ત્વરિત સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
બીજી ઘટના
23 નવેમ્બર 2026ના રોજ મહુવા સ્ટેશન પર બની હતી. ટ્રેન નંબર 19256 મહુવા-સુરત એક્સપ્રેસના પ્રસ્થાન સમયે કોન્સ્ટેબલ સંદીપ વાળાએ પ્લેટફોર્મ પર જનરલ કોચ પાસે મુસાફરોની વધુ ભીડ જોઈ હતી. ત્યાં પહોંચીને તપાસ કરતાં જાણવા મળ્યું કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા ગોપાલભાઈ લાખાભાઈ વઢિયારા (ઉંમર 56 વર્ષ), રહે. કતારગામ, સુરતને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ટ્રેન રોકવામાં આવી હતી અને મુસાફરને જનરલ કોચમાંથી ઉતારીને પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન કોન્સ્ટેબલ સંદીપ વાળા અને પોઇન્ટ્સમેન ગગનદીપે અન્ય મુસાફરોના સહયોગથી પીડિત મુસાફરને તાત્કાલિક સીપીઆર (CPR) આપ્યું હતું. સાથે જ 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ત્યારબાદ મુસાફરને તેમના પુત્ર દિનેશ વઢિયારા સાથે હનુમંત હોસ્પિટલ, મહુવા ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. બાદમાં મુસાફરના પુત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર તેમની તબિયત સામાન્ય હતી.
મંડળ રેલ પ્રબંધક, ભાવનગર, દિનેશ વર્માએ સંબંધિત કર્મચારીઓની સતર્કતા અને ત્વરિત કામગીરીની સરાહના કરતાં તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મુસાફરોની સુરક્ષા અને તેમના સામાનની કાળજી રાખવી એ રેલવેની મહત્ત્વપૂર્ણ પ્રાથમિકતાઓમાં સામેલ છે. ‘ઓપરેશન અમાનત’ અંતર્ગત મુસાફરોને તેમનો ખોવાયેલો સામાન પરત અપાવવા માટે આરપીએફ દ્વારા પ્રશંસનીય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર, અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળનું રેલવે સુરક્ષા બળ મુસાફરો અને રેલવે કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ મુસાફરોને વધુ સારી સેવા અને સહાય પૂરી પાડવા માટે સતત પ્રતિબદ્ધ છે.
ભાવનગર મંડળ રેલવે વહીવટીતંત્ર મુસાફરોની સુરક્ષા, સહાય અને સુવિધા માટે હંમેશાં તત્પર છે. આરપીએફ અને રેલવે કર્મચારીઓ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં દર્શાવવામાં આવેલી ત્વરિત કામગીરી, કર્તવ્યનિષ્ઠા અને માનવીય સંવેદનશીલતા ભારતીય રેલવેની સેવાભાવનાને પ્રતિબિંબિત કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ