બિલકીસ બાનો કેસમાં જામીન પર ઉઠેલા સવાલોનો બચાવ પક્ષે આપ્યો તીખો જવાબ, કહ્યું – તથ્યોથી પર મીડિયા ટ્રાયલનો પ્રયાસ
સુપ્રીમ કોર્ટમાં એક વર્ષથી વધુ સમય સુધી 10 વખત સુનાવણી પછી બે દોષિતોને જામીન મળ્યા હતા. - એડવોકેટ આયુષ આનંદે પીડિતાની કાનૂની ટીમના આરોપોને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા 18 વર્ષની કેદ અને ગંભીર હૃદયરોગ બન્યા મુખ્ય આધાર ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) :
ફાઈલ ફોટો: સુપ્રીમ કોર્ટ


- સુપ્રીમ કોર્ટમાં એક વર્ષથી વધુ સમય સુધી 10 વખત સુનાવણી પછી બે દોષિતોને જામીન મળ્યા હતા.

- એડવોકેટ આયુષ આનંદે પીડિતાની કાનૂની ટીમના આરોપોને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા 18 વર્ષની કેદ અને ગંભીર હૃદયરોગ બન્યા મુખ્ય આધાર

ગાંધીનગર, 24 નવેમ્બર (હિ.સ.) : બિલકીસ બાનો સામૂહિક દુષ્કર્મ અને ગુજરાત રમખાણો સાથે જોડાયેલા કેસમાં બે દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી મળેલા જામીનને લઈને ઊભા થયેલા વિવાદ વચ્ચે હવે બચાવ પક્ષે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઓન રેકોર્ડ આયુષ આનંદે સ્પષ્ટ કર્યું છે કે બંને દોષિતોના જામીન કોઈ અચાનક થયેલી સુનાવણી કે ગુપ્ત પ્રક્રિયાનું પરિણામ નહોતા.

તેમણે જણાવ્યું કે, આ માટે એક વર્ષથી વધુ સમય સુધી કોર્ટમાં સુનાવણી ચાલી, દસ વખત કેસ સૂચીબદ્ધ થયો અને બંને પક્ષોને પોતાની દલીલો રજૂ કરવાની તક મળી. તેમના મતે, લગભગ 18 વર્ષની જેલ અવધિ, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પડતર ફોજદારી અપીલોની પરિસ્થિતિઓ જામીનના મુખ્ય આધાર બન્યા. તેમણે પીડિતા તરફથી કરાયેલા આરોપોને તથ્યાત્મક રીતે ખોટા ગણાવતાં કહ્યું કે અનુમાન અને અધૂરી માહિતીના આધારે કોર્ટની કાર્યવાહીને સનસનીખેજ બનાવવી એ ન્યાયિક પ્રક્રિયાની ગરિમાની વિરુદ્ધ છે.

દસ સુનાવણી પછી આવ્યો જામીનનો નિર્ણય

આ સંદર્ભમાં આયુષ આનંદે જણાવ્યું કે, તેમના અસીલો વિપિનચંદ્ર કન્હૈયાલાલ જોશી ઉર્ફે લાલા ડૉક્ટર અને પ્રદીપ રમણલાલ મોઢિયાએ 15 ઓગસ્ટ 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં વિશેષ રજા અરજી (SLP) દાખલ કરી હતી. ત્યારબાદ 16 સપ્ટેમ્બર, 15 ઓક્ટોબર, 10 નવેમ્બર અને 1 ડિસેમ્બર 2025ના રોજ કેસ સુનાવણી માટે સૂચીબદ્ધ થયો. તમામ મહત્ત્વપૂર્ણ તથ્યો અને દસ્તાવેજો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા. વિસ્તૃત વિચાર-વિમર્શ પછી 17 માર્ચ 2026ના રોજ સુપ્રીમ કોર્ટની બેન્ચે કેસમાં નોટિસ જારી કરી.

બચાવ પક્ષનું કહેવું છે કે, આ સમગ્ર પ્રક્રિયા કોર્ટના રેકોર્ડ પર મોજૂદ છે. આથી એવું કહેવું કે જામીનની કાર્યવાહી પીડિતાની જાણ બહાર આગળ વધી, તે તથ્યો સાથે મેળ ખાતું નથી. આનંદના જણાવ્યા અનુસાર, 17 માર્ચે નોટિસ જારી થવાના સમાચાર એક અગ્રણી મીડિયા સંસ્થામાં પણ પ્રકાશિત થયા હતા. પીડિતાની તત્કાલીન કાનૂની ટીમ સમય પહેલાંની મુક્તિ સંબંધિત કાર્યવાહી દરમિયાન પણ આ કેસથી પરિચિત હતી અને કોર્ટની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી.

પીડિતાના શરૂઆતના નિવેદનોનો પણ ઉલ્લેખ-

બચાવ પક્ષે પોતાના નિવેદનમાં કેસના તથ્યાત્મક અને કાનૂની પાસાંનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેના અસીલો મુખ્ય આરોપીઓની શ્રેણીમાં નહોતા. તેમના પર ટોળામાં સામેલ હોવાનો આરોપ હતો અને શરૂઆતમાં કોઈ પ્રત્યક્ષ કૃત્ય માટે તેમનું નામ સામે આવ્યું નહોતું.

આનંદે પીડિતાના 7 માર્ચ અને 13 માર્ચ 2002ના નિવેદનોનો ઉલ્લેખ કરતાં દાવો કર્યો કે આ નિવેદનોમાં તેમના અસીલોના નામ દુષ્કર્મના આરોપના સંદર્ભમાં નોંધાયેલા નથી. મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટર સમક્ષ આપેલા નિવેદનનો હવાલો પણ આ જ સંદર્ભમાં આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે માર્ચ 2026માં નોટિસ જારી કરતી વખતે અરજદાર નંબર એકની શારીરિક અક્ષમતા અને બંનેની લાંબી કેદ અવધિની પણ નોંધ લીધી હતી.

ગંભીર હૃદયરોગ અને ઉંમર પણ બન્યા જામીનના આધાર-

જામીન પાછળ સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિઓને મહત્ત્વપૂર્ણ ગણાવતાં આનંદે કહ્યું કે, તેમના એક અસીલને લગભગ 18 વર્ષ જેલમાં રહ્યા પછી હૃદયમાં ગંભીર અવરોધની સમસ્યા થઈ. જેલમાં રહેતાં જ તેમની કાર્ડિયાક સર્જરી પણ કરાવવી પડી. બીજા અરજદારની ઉંમર વધુ છે અને તેઓ ગંભીર હૃદયરોગથી પીડાય છે. તબીબી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને 12 ઓક્ટોબર 2026ના રોજ જામીન માટે ફોજદારી પરચુરણ અરજી દાખલ કરવામાં આવી હતી.

CBIના વકીલને નોટિસ, બંને પક્ષોની સુનાવણી

આયુષ આનંદના જણાવ્યા અનુસાર, પ્રક્રિયાગત કારણોસર નવી બેન્ચની રચના થયા પછી 14 ઓક્ટોબરે કેસ સૂચીબદ્ધ થયો. આ દરમિયાન કોર્ટે CBIના સ્થાયી વકીલને અરજીની નકલ પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો. ત્યારબાદ 28 ઓક્ટોબર 2026ના રોજ બંને પક્ષોની વિસ્તૃત સુનાવણી થઈ. કોર્ટે એ હકીકત પર વિચાર કર્યો કે બંને અરજદારો પોતાની પડતર ફોજદારી અપીલો દરમિયાન લગભગ 18 વર્ષ જેલમાં વિતાવી ચૂક્યા છે. ત્યારબાદ તેમને જામીન આપવામાં આવ્યા.

બચાવ પક્ષનું કહેવું છે કે, જામીન આપતાં પહેલાં કેસની સુનાવણી જુદી જુદી તારીખોએ થઈ અને કોર્ટે ઉપલબ્ધ તથ્યો પર વિચાર કર્યો. આનંદે એ પણ જણાવ્યું કે 17 માર્ચે નોટિસ જારી થયા પછી 5 મે, 12 મે, 11 ઓગસ્ટ અને 22 સપ્ટેમ્બર 2026ના રોજ પણ કેસ સુપ્રીમ કોર્ટમાં સૂચીબદ્ધ થયો હતો.

કેવિયેટ દાખલ ન કરવા અંગે પણ ઉઠાવ્યા સવાલ-

પીડિતા તરફથી સુનાવણીની જાણ ન હોવાના અને તેમને પક્ષકાર ન બનાવવાના આરોપો અંગે બચાવ પક્ષે પ્રક્રિયાગત સ્થિતિ સ્પષ્ટ કરી છે. આનંદના જણાવ્યા અનુસાર, પીડિતા તરફથી આ કેસમાં કોઈ કેવિયેટ દાખલ કરવામાં આવી નહોતી. કોઝ ટાઇટલ મુજબ પણ તેઓ સંબંધિત કાર્યવાહીમાં પક્ષકાર નહોતા. આથી લાગુ પ્રક્રિયા હેઠળ તેમને પક્ષકાર બનાવવા જરૂરી નહોતા. તેમનું કહેવું છે કે પીડિતાની કાનૂની ટીમ પાસે કેવિયેટ દાખલ કરવાનો અને પોતાના કાનૂની અધિકારોનો ઉપયોગ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હતો. આ પ્રક્રિયામાં તેમના તરફથી પગલાં ન લેવાની જવાબદારી તેમના અસીલો કે કોર્ટ પર નાખી શકાય નહીં.

લાંબી કેદ પછી જામીનના અગાઉના ઉદાહરણો પણ ગણાવ્યા

પોતાના પક્ષને મજબૂત કરવા માટે આનંદે સુપ્રીમ કોર્ટના અગાઉના જામીન આદેશોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે ફોજદારી અપીલ નંબર 1554/2022માં માધવ રામ વિરુદ્ધ પતંજલિ ભારદ્વાજ અને અન્ય કેસનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને ધ્યાનમાં લઈને 7 ઓક્ટોબર 2026ના રોજ 12 વર્ષની કેદ પછી જામીન આપવામાં આવ્યા હતા. એ જ રીતે અરુણ ગુલાબ ગવલી વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય કેસમાં 18 વર્ષની કેદ પછી 28 ઓગસ્ટ 2025ના રોજ જામીન અપાયા હોવાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.

એડવોકેટ આનંદે પીડિતા તરફથી ઉઠાવાયેલા સવાલો અને ત્યારબાદ શરૂ થયેલી મીડિયા ચર્ચા સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, 28 ઓક્ટોબરે જામીન મળ્યાના 18 દિવસ પછી 16 નવેમ્બરથી આ મુદ્દાને જે રીતે રજૂ કરવામાં આવી રહ્યો છે, તેનાથી એવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે કે, જાણે પીડિતાને કોર્ટની કાર્યવાહીની કોઈ જાણકારી જ નહોતી. તેમના મતે, યોગ્ય કાનૂની ઉપાયો અપનાવતાં પહેલાં મીડિયા મારફતે આરોપોને જાહેર કરવા એ અયોગ્ય પરંપરાને પ્રોત્સાહન આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande