નિજી ક્ષેત્રના રોકાણ પ્રસ્તાવોમાં 58.5 ટકાનો વધારો, પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 26.6 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત: સીઆઈઆઈ
નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.). દેશમાં ખાનગી ક્ષેત્રના રોકાણ પ્રસ્તાવોમાં તેજી આવી છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ખાનગી ક્ષેત્રની પ્રોજેક્ટ જાહેરાતો 26.6 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે પાછળના વર્ષના સમાન ગાળાની સરખામણીમ
સાંકેતિક


નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.). દેશમાં ખાનગી ક્ષેત્રના રોકાણ પ્રસ્તાવોમાં તેજી આવી છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ખાનગી ક્ષેત્રની પ્રોજેક્ટ જાહેરાતો 26.6 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે પાછળના વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 58.5 ટકા વધુ છે. ભારતીય ઉદ્યોગ પરિસંઘ (સીઆઈઆઈ)એ આ અંગે જણાવ્યું છે કે, સરકારના નીતિગત સુધારાઓ, માળખાકીય સુવિધાઓના વિકાસ અને નિયમનકારી વ્યવસ્થામાં બદલાવોથી ખાનગી રોકાણ માટે મજબૂત પાયો તૈયાર થયો છે. ઉદ્યોગ જગત વિકસિત ભારતના લક્ષ્યને વેગ આપવા માટે રોકાણ અને પ્રોજેક્ટના અમલીકરણમાં ઝડપ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

સીઆઈઆઈના જણાવ્યા અનુસાર, તેના ખાનગી રોકાણ બેરોમીટરના બીજા સંસ્કરણમાં સામે આવ્યું છે કે નાણાકીય વર્ષ 2027ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં ખાનગી ક્ષેત્રની પ્રોજેક્ટ જાહેરાતો નાણાકીય વર્ષ 2017થી 2025ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળાના સરેરાશ કરતા 4.4 ગણી વધુ રહી છે. કુલ પ્રોજેક્ટ જાહેરાતોમાં ખાનગી ક્ષેત્રની હિસ્સેદારી પણ એક વર્ષ અગાઉના 74.2 ટકાથી વધીને 86.2 ટકા થઈ ગઈ છે.

સીઆઈઆઈના પ્રમુખ આર. મુકુંદને જણાવ્યું હતું કે, સરકારે સતત નીતિગત સુધારાઓ, માળખાકીય વિકાસ અને નિયમનકારી માળખામાં સુધારા દ્વારા ખાનગી રોકાણ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કર્યું છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં નીતિઓમાં સાતત્યથી ઉદ્યોગ જગતનો વિશ્વાસ વધ્યો છે અને દીર્ઘકાલીન રોકાણના નિર્ણયો અંગે સ્પષ્ટતા આવી છે. તેમણે જણાવ્યું કે રોકાણ જાહેરાતો અને વાસ્તવિક મૂડી નિર્માણ બંનેમાં આના સકારાત્મક સંકેતો દેખાઈ રહ્યા છે.

બેરોમીટર અનુસાર, લગભગ 1,800 સૂચિબદ્ધ ખાનગી કંપનીઓનું કુલ મૂડી નિર્માણ નાણાકીય વર્ષ 2025-26માં 12.4 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)ના 3.6 ટકા છે. નાણાકીય વર્ષ 2017થી 2021 દરમિયાન આ સરેરાશ 2.2 ટકા હતું. સમાન કંપનીઓના આધારે નાણાકીય વર્ષ 2025-26માં રોકાણમાં 8.7 ટકાનો વધારો થયો. આ ઉપરાંત 54 ટકા કંપનીઓએ તેમના કાયમી રોકાણનો દર વધાર્યો, જ્યારે લગભગ ત્રણ-ચતુર્થાંશ કંપનીઓએ તેમની શુદ્ધ ઉત્પાદક ક્ષમતામાં વધારો કર્યો. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ખાનગી ક્ષેત્રના પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સનું મૂલ્ય 1.8 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે નાણાકીય વર્ષ 2017 પછી આ સમયગાળાનું સૌથી ઉચ્ચ સ્તર છે.

મુકુંદને જણાવ્યું કે, ભારતીય ઉદ્યોગ વિનિર્માણ, માળખાકીય સુવિધાઓ, ઊર્જા, ડિજિટલ ટેકનોલોજી અને ઉભરતા ક્ષેત્રોમાં રોકાણ કરી રહ્યો છે. કંપનીઓની મજબૂત નાણાકીય સ્થિતિ અને દેશની આર્થિક સંભાવનાઓ પ્રત્યે વધતા વિશ્વાસથી આ રોકાણને સમર્થન મળી રહ્યું છે. તેમણે જણાવ્યું કે હવે ઉદ્યોગ જગતની જવાબદારી પણ વધી ગઈ છે. મુકુંદને કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે ઉદ્યોગ જગતે 'ટીમ ભારત' તરીકે સાથે મળીને કામ કરવું પડશે. આ માટે રોકાણ અને પ્રોજેક્ટના અમલીકરણમાં ઝડપ, ગુણવત્તાયુક્ત રોજગારીનું સર્જન, ઉત્પાદકતા વધારવી, વિનિર્માણ અને ઘરેલુ સપ્લાય ચેઈનને મજબૂત કરવી તથા સંશોધન અને નવતર પ્રયોગોમાં રોકાણ કરવું જરૂરી છે.

તેમને જણાવ્યું કે, કૌશલ્ય વિકાસ, નિકાસ વિસ્તરણ અને વૈશ્વિક મૂલ્ય શૃંખલાઓ સાથે જોડાણ પણ પ્રાથમિકતાઓમાં સામેલ હોવું જોઈએ. આની સાથે સ્વચ્છ ઊર્જા તરફ પરિવર્તન, ઉભરતી ટેકનોલોજીઓ અપનાવવાની, વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભારતીય કંપનીઓ વિકસાવવાની અને વિકાસ પ્રક્રિયામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ની ભાગીદારી વધારવાની જરૂર છે.

બેરોમીટરમાં રોકાણના બદલાતા સ્વરૂપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વિનિર્માણ ક્ષેત્રમાં 8.1 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ, જે તેના ઐતિહાસિક સરેરાશ કરતા 3.2 ગણી વધુ છે. વીજળી ક્ષેત્રમાં 7.7 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી, જે ઐતિહાસિક સરેરાશ કરતા 5.1 ગણી છે. માહિતી ટેકનોલોજી ક્ષેત્રમાં પ્રોજેક્ટ જાહેરાતો લગભગ 9.5 લાખ કરોડ રૂપિયા રહી. આમાં મુખ્યત્વે ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) સાથે જોડાયેલ માળખાકીય સુવિધાઓ સામેલ છે. પાછળના વર્ષના સમાન ગાળામાં આ ક્ષેત્રમાં 70 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની જાહેરાત થઈ હતી.

સીઆઈઆઈ નાણાકીય બજારોના આધુનિકીકરણ અને નિયમનકારી વ્યવસ્થાને મજબૂત કરવાના સરકારના પ્રયાસોની પણ પ્રશંસા કરી. સંગઠનના અનુસાર, ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (સેબી) સહિત નિયમનકારોની પરામર્શ આધારિત કાર્યપ્રણાલીથી મૂડી બજારો વધુ મજબૂત અને સક્ષમ બન્યા છે. દીર્ઘકાલીન ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય મૂડી એકત્ર કરવા માટે રોકાણકારોની સુરક્ષા, બજારની પારદર્શિતા, નિયમનકારી સ્થિરતા અને અનુપાલનની યોગ્ય વ્યવસ્થા જરૂરી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande