




દોઢ વર્ષનું કામ 9 વર્ષે પૂરું કર્યું મહેસાણાની રાધે એસોસિએટ્સએ તેમ છતાં ટુટી ગયો પુલ
દરિયાઈ ભરતીના ધોવાણની વર્ષોથી જાણ હોવા છતાં બાંધકામ સમયે સુરક્ષામાં ચૂંક
એપ્રોચ રસ્તા પર તિરાડો પડતાં હવે પ્રોટેક્શન બ્લોક અને સુરક્ષા વોલ બનાવવા પ્રજાના નાણાંનો વેડફાટ
ભરૂચ 24 નવેમ્બર (હિ.સ.)
ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકાને જોડતા મહત્વાકાંક્ષી ડોલીયા-દેણવા બ્રિજના બાંધકામમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને તકનીકી બેદરકારી થઈ હોવાના આક્ષેપો ઉઠ્યા છે.66 કરોડના જંગી ખર્ચે તૈયાર થયેલા આ બ્રિજનું ઉદ્ઘાટન ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું, પરંતુ લોકાર્પણના માત્ર ત્રણ મહિના જ થયા ત્યાં દેણવા તરફના એપ્રોચ રસ્તા પર મોટી તિરાડો પડી ગઈ છે. નવાઈની વાત એ છે કે, જવાબદારો સામે કડક પગલાં ભરવાને બદલે સરકારે હવે આ ધોવાણ અટકાવવા અને સમારકામ કરવા માટે વધુ 15 કરોડની ગ્રાન્ટ મંજૂર કરતાં સમગ્ર પંથકમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે.
આમોદ અને જંબુસર પંથકના લોકોની વર્ષો જૂની માંગણી બાદ 66 કરોડના ખર્ચે ડોલીયા-દેણવા બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, આ બ્રિજ નાના વાહનો માટે ખુલ્લો મુકાયાના ગણતરીના દિવસોમાં જ તેની ગુણવત્તાની પોલ ખુલી ગઈ છે.
મંથર ગતિએ ચાલેલું કામ અને નબળી ગુણવત્તા
આ બ્રિજનું કામ મહેસાણાની 'રાધે એસોસિએટ્સ' નામની એજન્સીને ઓક્ટોબર 2017માં સોંપવામાં આવ્યું હતું. નિયમ મુજબ આ કામ માત્ર દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ એજન્સીની ઢીલી નીતિને કારણે વારંવાર મુદત વધારવામાં આવી હતી. છેલ્લે 15 ઓગસ્ટ 2026 સુધી મુદત લંબાવ્યા બાદ આખરે 23 ઓગસ્ટ 2026ના રોજ નાના વાહનો માટે આ માર્ગ ખુલ્લો મુકાયો હતો. આમ, 1.5 વર્ષનું કામ પૂર્ણ થવામાં પૂરા 9 વર્ષ જેટલો લાંબો સમય લાગ્યો હતો, તેમ છતાં કામમાં કોઈ ગુણવત્તા જળવાઈ નથી.
તંત્રનો બચાવ અને ખુલ્લી પડેલી બેદરકારી
બ્રિજ ખુલ્લો મુકાયાના માત્ર ત્રણ મહિનામાં જ દેણવા એપ્રોચ રોડ પર તિરાડો પડતાં માર્ગ અને મકાન વિભાગ બચાવની મુદ્રામાં આવી ગયું છે. વિભાગના અધિકારીઓએ એવો લૂલો બચાવ કર્યો છે કે, તિરાડો મુખ્ય બ્રિજમાં નહીં પરંતુ એપ્રોચ રોડ નીચે દરિયાઈ કરંટના ધોવાણને કારણે પડી છે.
ગુગલ મેપના પુરાવા છતાં આંખ આડા કાન
ઢાઢર નદીમાં કાવી-કંબોઈની દરિયાઈ ભરતી દિવસમાં બે વખત આવે છે. અધિકારીઓએ પોતે 2019, 2022 અને 2026ના ગુગલ મેપના આધારે અહીં સતત ધોવાણ થતું હોવાનું સ્વીકાર્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, જો તંત્રને વર્ષોથી દરિયાઈ ભરતીથી થતા ધોવાણની જાણ હતી, તો બાંધકામ સમયે જ મજબૂત સુરક્ષા વ્યવસ્થા કેમ ઊભી કરવામાં ન આવી?
એજન્સી અને અધિકારીઓનું પાપ છુપાવવા પ્રજાના વધુ 15 કરોડનું આંધણ
અગાઉ બાંધકામ સમયે દાખવેલી બેદરકારીને છુપાવવા માટે હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા 15 કરોડના ખર્ચે આર.સી.સી. પ્રોટેક્શન બ્લોક અને સુરક્ષા વોલ બનાવવાનું આયોજન કરાયું છે. ભ્રષ્ટાચાર અને નબળા આયોજનનો ભોગ ફરી એકવાર સામાન્ય જનતા બની હોવાની લાગણી સ્થાનિકોમાં પ્રબળ બની છે.લોકોના ટેક્સના નાણાં અને સરકારની તિજોરીને ભારે નુકસાન થઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ