
નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત અનેક પક્ષ-વિપક્ષના નેતાઓએ, મંગળવારે ગુરુ નાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે દેશ અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી.
રાષ્ટ્રપતિ મુર્મુએ એક્સ પર લખ્યું, ગુરુ નાનક દેવનો 'ઇક ઓંકાર' નો સંદેશ વાસ્તવમાં સમગ્ર માનવતાની એકતાનો સંદેશ છે. તેમણે જાતિ-પાતિ, ઊંચ-નીચ અને ભેદભાવથી મુક્ત સમાજની સ્થાપના પર ભાર મૂક્યો તથા પ્રેમ, કરુણા અને માનવ સેવાને જીવનનો આધાર બનાવવાની શીખ આપી. તેમની શિક્ષાઓમાં 'નામ જપો, કિરત કરો અને વંડ છકો' નું વિશેષ મહત્વ છે. તેમણે ઈશ્વરનું સ્મરણ કરવા, ઈમાનદારી અને પરિશ્રમથી આજીવિકા કમાવવાની તેમજ પોતાની કમાણી બીજા સાથે વહેંચવાનો સંદેશ આપ્યો. લંગરની પરંપરા દ્વારા તેમણે સામાજિક સમાનતા અને નિઃસ્વાર્થ સેવાનું વ્યવહારિક ઉદાહરણ પ્રસ્તુત કર્યું. આવો, આ પાવન અવસરે આપણે ગુરુ નાનક દેવજીની શિક્ષાઓને અપનાવવાનો તથા સેવા, સમાનતા અને સદ્ભાવના મૂલ્યોના આધારે સમાજ અને રાષ્ટ્રના કલ્યાણમાં યોગદાન આપવાનો સંકલ્પ લઈએ.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, ગુરુ નાનક દેવની શાશ્વત શિક્ષાઓ સત્ય, સમાનતા, કરુણા, નિઃસ્વાર્થ સેવા અને વિશ્વ બંધુત્વની ભાવના આજે પણ માનવતાનું માર્ગદર્શન કરી રહી છે. આ તમામ લોકોને એક એવા સમાજના નિર્માણ માટે પ્રેરિત કરે છે, જે શાંતિ, સદ્ભાવ અને પરસ્પર સન્માન પર આધારિત હોય.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ગુરુ નાનક દેવનું જીવન અને દર્શન માનવતા, આધ્યાત્મિક ચેતના તથા નૈતિક મૂલ્યોની અદ્ભુત પ્રેરણા છે. તેમણે પોતાની વાણી અને ઉપદેશોના માધ્યમથી એક ઓંકાર, સત્ય, પ્રેમ, કરુણા અને સેવાનો સંદેશ આપીને માનવ જીવનને સદાચાર અને પરોપકારની દિશા પ્રદાન કરી. ગુરુ નાનક દેવની અમૃતવાણી અને ઉદાત્ત વિચારો ભારતીય આધ્યાત્મિક પરંપરાની અમૂલ્ય ધરોહર છે, જે યુગો-યુગો સુધી સમાજને સત્ય, પ્રેમ, શાંતિ અને લોકકલ્યાણના પથ પર પ્રકાશિત કરતા રહેશે.
રાજનાથ સિંહે કહ્યું કે, ગુરુ નાનક દેવે સમગ્ર માનવતાને પ્રેમ, સમાનતા, સેવા અને સદ્ભાવનો સંદેશ આપ્યો. તેમણે જાતિ-પાતિ, ઊંચ-નીચ અને ભેદભાવ વગરના એવા સમાજની કલ્પના કરી, જ્યાં દરેક વ્યક્તિને સમાન સન્માન અને ગરિમા પ્રાપ્ત થાય. તેમની વાણી અને શિક્ષાઓ આજે પણ માનવતાને સેવા, કરુણા, પરોપકાર અને ભાઈચારાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કહ્યું કે, ગુરુ નાનક દેવે એક તરફ ઈશ્વર પ્રત્યે આસ્થા અને સદાચારની જ્યોત પ્રગટાવી, તો બીજી તરફ ભેદભાવ મુક્ત સમાજ, બંધુત્વ અને નારી સન્માનનો માર્ગ પણ બતાવ્યો. લંગરની પરંપરા અને ધર્મશાળાઓની સ્થાપનાના માધ્યમથી તેમણે સેવા અને સામાજિક સમરસતાનું અદ્ભુત ઉદાહરણ પ્રસ્તુત કર્યું. તેમની શિક્ષાઓ અનંતકાળ સુધી સત્ય, પરોપકાર અને લોકકલ્યાણના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપતી રહેશે.
કેન્દ્રીય સડક પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જણાવ્યું કે, ગુરુ નાનક દેવના વિચારો સૌને હંમેશાં રાષ્ટ્રહિતના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે.
કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, ગુરુ નાનકની પાવન શિક્ષાઓ સત્ય, સમાનતા, નિઃસ્વાર્થ સેવા અને પ્રેમના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપતી રહે. તેમનું જીવન દર્શન સમાજમાં એકતા, ભાઈચારા અને માનવ કલ્યાણની ભાવનાને હંમેશાં મજબૂત કરતું રહે.
કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દુનિયામાં આજે જેટલી પણ સમસ્યાઓ છે, તેનું સમાધાન ગુરુ નાનક દેવની શિક્ષાઓમાં છે. ગુરુની કૃપા અને આશીર્વાદથી દરેક હૃદયમાં પ્રેમ, સેવા, સદ્ભાવની પવિત્ર જ્યોત પ્રજ્વલિત રહે, બધાનું કલ્યાણ થાય; શ્રીચરણોમાં આ જ પ્રાર્થના છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, સમાનતા, કરુણા, ભાઈચારા અને નિઃસ્વાર્થ સેવાની ગુરુ નાનક દેવની શાશ્વત શિક્ષાઓ આજે પણ માનવતાનો માર્ગ મોકળો કરી રહી છે. આ શિક્ષાઓ ધર્મ, જાતિ અને પંથની તમામ સીમાઓથી પર છે. આ પવિત્ર અવસર સૌને સત્ય, ગરિમા અને સદ્ભાવ જાળવી રાખવા માટે પ્રેરિત કરે, અને 'સરબત દા ભલા' (સૌનું કલ્યાણ) પ્રત્યેના આપણા સમૂહિક સંકલ્પને વધુ દ્રઢ કરે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ