


કચ્છના હાજીપીર રોડ પર ટ્રકની જોરદાર ટક્કરથી ટ્રેક્ટરના ફુરચેફુરચા, ત્રણ પરિવારોમાં શોકનું મોજું
કચ્છ, 24 નવેમ્બર (હિ.સ.) કચ્છના રસ્તાઓ પર અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક હૃદયદ્રાવક દુર્ઘટનાએ ત્રણ પરિવારોને ક્યારેય ન પૂરાય તેવી ખોટ આપી છે.હાજીપીર રોડ પર ઢોરો ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. એક જ માર્ગ પર થોડા સમયના અંતરે સર્જાયેલી અકસ્માતની આ બીજી ગંભીર ઘટનાએ માર્ગ સલામતી અને વાહન વ્યવહારની સ્થિતિ અંગે ફરી ચિંતાઓ ઊભી કરી છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો મુજબ, ઢોરો ગામ નજીકથી પસાર થઈ રહેલા ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અચાનક જોરદાર ટક્કર થઈ હતી. ટ્રક વાડી ટ્રેક્ટર સાથે અથડાતાં અકસ્માત એટલો ભયાનક હતો કે બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અથડામણની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટ્રકના આગળના ભાગને મોટું નુકસાન થયું હતું, જ્યારે ટ્રેક્ટરની ટ્રોલી માર્ગની નીચે લટકતી હાલતમાં જોવા મળી હતી.
આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા હોવાની વિગતો સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકોમાં પણ દોડધામ મચી હતી. જોકે, મૃતકોની ઓળખ, તેઓ કયા ગામના રહેવાસી હતા અને અકસ્માત સમયે વાહનોમાં કેટલા લોકો સવાર હતા તે અંગેની સત્તાવાર વિગતો હજુ સ્પષ્ટ થઈ નથી.
ખાસ નોંધનીય છે કે ખાવડા નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટના હજુ લોકોના મનમાંથી ભૂંસાઈ નથી ત્યાં હાજીપીર રોડ પર વધુ એક અકસ્માતે ત્રણ જિંદગીઓ છીનવી લીધી છે. વારંવાર સર્જાતી આવી દુર્ઘટનાઓ કચ્છના માર્ગો પર વાહનચાલકોની સાવચેતી અને ટ્રાફિક સલામતીના પ્રશ્નને ફરી ચર્ચાના કેન્દ્રમાં લાવી રહી છે.અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું, વાહનોની ગતિ કેટલી હતી અને કોઈની બેદરકારી જવાબદાર હતી કે કેમ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ આ ઘટનાએ સમગ્ર પંથકમાં શોક અને ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar