



ભુજ તાલુકામાં ખનિજ વહનના નિયમોના ભંગ સામે તંત્રની મોટી કાર્યવાહી; પાસમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ સાદી માટીનું પરિવહન થતું હોવાનું તપાસમાં સામે આવ્યું
કચ્છ, 24 નવેમ્બર (હિ.સ.) : કચ્છમાં ખનિજ સંપત્તિના ગેરકાયદેસર ખનન અને વહન સામે સરકારી તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. ખાણ-ખનિજ વિભાગ દ્વારા ભુજ તાલુકાના રેલડી મોટી વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન રોયલ્ટી પાસમાં દર્શાવેલી મર્યાદા કરતાં વધુ સાદી માટીનું વહન કરતા છ વાહનોને ઝડપી પાડવામાં આવતાં ખનિજ વહનના નિયમોનું પાલન કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. વિભાગે આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ. 1.50 કરોડનો મુદ્દામાલ કબજે કરી તમામ વાહનોને આગળની કાયદેસરની કાર્યવાહી માટે પધ્ધર પોલીસ સ્ટેશનમાં સીઝ કરાવ્યાં છે.
મળતી વિગતો અનુસાર, કચ્છ પશ્ચિમ જિલ્લામાં ખનિજ સંબંધિત ગેરરીતિઓને ડામવા માટે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન રેલડી મોટી વિસ્તારમાં ખનિજ વહન કરતા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં કેટલાક વાહનો પાસે રહેલા રોયલ્ટી પાસમાં નોંધાયેલા જથ્થા અને વાસ્તવિક રીતે વહન કરવામાં આવતા ખનિજના જથ્થા વચ્ચે તફાવત હોવાનું સામે આવ્યું હતું. નિયમ કરતાં વધુ સાદી માટીનું વહન થતું હોવાનું જણાતાં વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી છ વાહનોને અટકાવી કબજામાં લીધાં હતાં.
આ કાર્યવાહી હેઠળ GJ39T3778, GJ39TA0086, GJ39T0984, GJ39V0792, GJ39T0843 અને GJ39T3723 નંબરનાં વાહનો ઝડપાયાં છે. અંદાજે દોઢ કરોડ રૂપિયાના મુદ્દામાલની જપ્તી સાથે ખાણ-ખનિજ વિભાગે ખનિજ વહનના નિયમોના ભંગ સામે પોતાની કડક કામગીરીનો સંકેત આપ્યો છે.
જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયાના માર્ગદર્શન હેઠળ અને ભૂસ્તરશાસ્ત્રી ડી.એસ. બારિયાના નેતૃત્વમાં ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, કચ્છ પશ્ચિમ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ભુજ, માંડવી, નખત્રાણા, લખપત અને અબડાસા સહિત પશ્ચિમ કચ્છના પાંચેય તાલુકાઓમાં ખનિજ વહન અને ખનન પ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવશે. રોયલ્ટી પાસનો દુરુપયોગ કરનાર તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે. રેલડી મોટીની આ કાર્યવાહીથી ખનિજ માફિયાઓ અને નિયમોનો ભંગ કરીને પરિવહન કરતા તત્વોમાં ચિંતા જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar