
બોટાદ, 24 નવેમ્બર (હિ.સ.)બોટાદ તાલુકાના કૃષ્ણનગર ગામમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં ગ્રામ પંચાયત દ્વારા સરાહનીય પહેલ કરવામાં આવી છે.
ગામને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવાના હેતુથી ગ્રામ પંચાયત દ્વારા ઘરોમાંથી નિકાલ થતા ભીના કચરાનો યોગ્ય નિકાલ થાય અને તેનો પુનઃઉપયોગ કરી શકાય તે માટે સામૂહિક કમ્પોસ્ટ પીટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ વ્યવસ્થા અંતર્ગત, ગામના ઘરોમાંથી નીકળતા ભીના કચરાને એકત્રિત કરીને સામૂહિક કમ્પોસ્ટ પીટમાં નાખવામાં આવશે. ત્યારબાદ કુદરતી પ્રક્રિયા દ્વારા આ કચરામાંથી જૈવિક ખાતર (કમ્પોસ્ટ) તૈયાર કરવામાં આવશે. આ પહેલથી ઘરગથ્થુ ભીના કચરાનો યોગ્ય ઉપયોગ થશે અને કચરાના ઢગલા થવાથી ફેલાતી ગંદકી તથા દુર્ગંધની સમસ્યામાં પણ ઘટાડો થશે.
તૈયાર થનાર જૈવિક ખાતરનો ઉપયોગ ખેતી, બગીચા તેમજ વૃક્ષોના ઉછેર માટે કરી શકાશે. આથી રાસાયણિક ખાતર પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.
ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કચરાને સમસ્યા નહીં પરંતુ ઉપયોગી સંસાધન તરીકે પરિવર્તિત કરી શકાય તેવા હેતુથી કરવામાં આવેલી આ પહેલ અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA