
ભાવનગર, 24 નવેમ્બર (હિ.સ.)રમતગમત ક્ષેત્રે લોકશાળા મણારના વિદ્યાર્થીઓ સતત સફળતા મેળવી સંસ્થાનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે લોકશાળા મણારના વિદ્યાર્થી લાંબરિયા રાધેશ રાજુભાઈએ અંડર-19 વુશુ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મેળવ્યું છે. આણંદ ખાતે યોજાયેલી શાળાકીય અંડર-19 વુશુ રાજ્યકક્ષાની પસંદગી સ્પર્ધામાં રાધેશ લાંબરિયાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને આ સિદ્ધિ મેળવી છે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યા બાદ હવે રાધેશ આગામી સમયમાં ઝારખંડના રાંચી ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની વુશુ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. રાધેશની આ સફળતા પાછળ તેની મહેનત, રમત પ્રત્યેની લગન અને સતત અભ્યાસનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેની આ સિદ્ધિથી લોકશાળા મણાર, પરિવાર અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધ્યું છે.
ઉલ્લેખનીય છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન લોકશાળા મણારના કુલ ચાર વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે પસંદગી મેળવી છે. એક જ શૈક્ષણિક વર્ષમાં ચાર વિદ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થવી એ સંસ્થા માટે નોંધપાત્ર સિદ્ધિ છે. શાળામાં અભ્યાસની સાથે રમતગમતને પણ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનું આ સફળતાઓ પરથી જોવા મળે છે.
રાધેશ લાંબરિયાની આ સિદ્ધિ બદલ લોકશાળાના આચાર્ય, નિયામક, ટ્રસ્ટીગણ અને સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સાથે જ રાંચી ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં પણ રાધેશ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA