
અમદાવાદ,24 નવેમ્બર (હિ.સ.) સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં શાળા બહારના બાળકોનો ખાસ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓ મારફતે 6 થી 18 વર્ષની વયજૂથના એવા તમામ બાળકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે,
જેમણે ધોરણ 1 થી 12 સુધીનું ક્યારેય શિક્ષણ મેળવ્યું નથી અથવા ધોરણ 12 પૂર્ણ કર્યા વિના જ અધવચ્ચેથી શાળા છોડી દીધી છે. આ સર્વેમાં દિવ્યાંગ બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આગામી 16 ડિસેમ્બર ,2026 સુધી ચાલનારા આ સર્વેમાં જાહેર જનતાને સક્રિયપણે સહભાગી થવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ એડિશનલ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને શાસનાધિકારી (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ) કાર્ય કરશે.
શહેરના કોઈ પણ વિસ્તારમાં આવા શિક્ષણથી વંચિત બાળકો ધ્યાનમાં આવે, તો તેની જાણ નજીકની મ્યુનિસિપલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીને કરવા માટે શાસનાધિકારી અને એડિશનલ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ તરફથી ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ