બોટાદ : ગર્ભનાળના ત્રણ આંટા વચ્ચે એમ્બ્યુલન્સમાં કરાવી સુરક્ષિત પ્રસૂતિ, EMTની સમજદારીથી માતા-બાળકનો બચાવ
બોટાદ, 24 નવેમ્બર (હિ.સ.) : કટોકટીના સમયે ૧૦૮ ઈમરજન્સી સેવા અનેક લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે. આવી જ એક પ્રશંસનીય કામગીરી બોટાદ જિલ્લામાં સામે આવી છે. જાળીલા લોકેશન પર ફરજ બજાવતી ૧૦૮ની ટીમે પ્રસૂતિની પીડાથી પીડાતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફ
108 ની ટીમ ની કામગીરી


બોટાદ, 24 નવેમ્બર (હિ.સ.) : કટોકટીના સમયે ૧૦૮ ઈમરજન્સી સેવા અનેક લોકો માટે જીવનરક્ષક સાબિત થઈ રહી છે. આવી જ એક પ્રશંસનીય કામગીરી બોટાદ જિલ્લામાં સામે આવી છે. જાળીલા લોકેશન પર ફરજ બજાવતી ૧૦૮ની ટીમે પ્રસૂતિની પીડાથી પીડાતી મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતા અને નવજાત બાળકને સુરક્ષિત જીવન આપ્યું હતું.

વેજળકા ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં હોસ્પિટલ ખસેડવામાં આવી રહી હતી. દરમિયાન રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં પ્રસૂતિની સ્થિતિ સર્જાઈ હતી. મહિલા ચોથી વખત ગર્ભવતી હતી અને ગર્ભાવસ્થાનો પૂર્ણ સમયગાળો થઈ ગયો હતો. આવી કટોકટીની સ્થિતિમાં ફરજ પરના EMT આકાશ પરમારે પોતાની તાલીમ અને અનુભવના આધારે એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.

પ્રસૂતિ દરમિયાન નવજાત બાળકના ગળાની આસપાસ ગર્ભનાળના ત્રણ આંટા (ટ્રિપલ ન્યુકલ કોર્ડ) વીંટળાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ સ્થિતિમાં આકાશ પરમારે સાવચેતીપૂર્વક આંટા છોડાવી બાળકનો સુરક્ષિત જન્મ કરાવ્યો હતો. જોકે, જન્મ બાદ બાળકનું ઓક્સિજન સ્તર ઘટતાં તાત્કાલિક BVM દ્વારા કૃત્રિમ શ્વાસની સહાય આપવામાં આવી હતી. સાથે જ ERCP ડૉક્ટર કૌશલનું માર્ગદર્શન લેવામાં આવ્યું હતું.

આ સમગ્ર કામગીરીમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર પ્રવીણભાઈ મકવાણાએ પણ મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. ટીમના સંકલિત પ્રયાસોથી માતા અને નવજાત બાળકની સ્થિતિ સ્થિર રહી હતી. ત્યારબાદ બંનેને વધુ સારવાર માટે બોટાદની શિવરંજની ગાયનેક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લાના અધિકારીઓ અને પ્રોગ્રામ મેનેજર દ્વારા ૧૦૮ની ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande