
હરિદ્વાર, નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.): કાર્તિક પૂર્ણિમાના અવસરે મંગળવારે ઉત્તરાખંડમાં આસ્થાનો મહાસાગર ઉમટી પડ્યો. હરિદ્વારથી લઈને ઋષિકેશ અને પ્રદેશના અન્ય પવિત્ર ઘાટો સુધી શ્રદ્ધાળુઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી. હરિદ્વારમાં બ્રહ્મ મુહૂર્તથી જ હરકી પૌડી સહિત ગંગાના વિવિધ ઘાટો પર શ્રદ્ધાળુઓની ભારી ભીડ એકત્ર થવાની શરૂ થઈ ગઈ. દેશના વિવિધ રાજ્યોમાંથી પહોંચેલા શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન, પૂજા-અર્ચના અને દીપદાન કરી સુખ-સમૃદ્ધિની કામના કરી. ઘાટો પર હર-હર ગંગેના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની રહ્યું.
હરિદ્વારમાં હરકી પૌડીના બ્રહ્મકુંડ સહિત ગંગાના તમામ ઘાટો પર સવારથી જ શ્રદ્ધાળુઓની અવરજવર બની રહી. પરિવાર સાથે પહોંચેલા લોકોએ ગંગા સ્નાન બાદ ગંગા પૂજન કર્યું અને સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કર્યું. ઋષિકેશના ત્રિવેણી ઘાટ સહિત અન્ય ગંગા ઘાટો પર પણ શ્રદ્ધાળુઓએ સ્નાન અને પૂજા-અર્ચના કરી. મંદિરો, આશ્રમો અને મઠોમાં ધાર્મિક અનુષ્ઠાનો યોજાયા. દેવ દિવાળીના અવસરે ઘાટો પર દીપદાન પણ કરવામાં આવ્યું. ગંગાના જયઘોષ, પૂજા-અર્ચના અને દીપદાન વચ્ચે હરિદ્વાર સહિત પ્રદેશના પ્રમુખ તીર્થસ્થળો પર દિવસભર ધાર્મિક ઉલ્લાસનું વાતાવરણ બની રહ્યું.
કાર્તિક પૂર્ણિમાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસને દેવ દિવાળીના રૂપમાં પણ મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જ ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કરી દેવતાઓને તેના અત્યાચારોથી મુક્તિ અપાવી હતી. આ વિજયની ખુશીમાં દેવતાઓએ દીપોત્સવ મનાવ્યો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન વિષ્ણુએ આ દિવસે જ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. આ કારણસર કાર્તિક પૂર્ણિમા પર ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની આરાધનાનું વિશેષ મહત્વ મનાય છે.
પંડિત દેવેન્દ્ર શુક્લ શાસ્ત્રીએ જણાવ્યું કે, કાર્તિક પૂર્ણિમા પર બ્રહ્મ મુહૂર્તમાં ગંગા સ્નાન કરવું અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે. સ્નાન પછી જરૂરિયાતમંદોને ગોળ, તલ, અન્ન અને ઊની વસ્ત્રોનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે દીપદાનનું પણ વિશેષ મહત્વ છે. શ્રદ્ધાળુ દીપ પ્રજ્વલિત કરી ભગવાન વિષ્ણુ અને શિવની આરાધના કરે છે તથા પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરે છે. માન્યતા છે કે, આ દિવસે શ્રદ્ધાથી કરાયેલા દાન-પુણ્યથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.
શ્રદ્ધાળુઓની ભીડને જોતા હરિદ્વાર મેળા ક્ષેત્રને 2 સુપર ઝોન, 11 ઝોન અને 30 સેક્ટરોમાં વિભાજિત કરી પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓની તૈનાતી કરાઈ. હરકી પૌડી સહિત પ્રમુખ ઘાટો અને બજારોમાં વધારાનું પોલીસ બળ તૈનાત રહ્યું. પોલીસકર્મીઓ સતત ભીડ પર નજર રાખતા શ્રદ્ધાળુઓની અવરજવર સુચારુ જાળવી રાખવામાં લાગેલા રહ્યા.
પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતા ઉત્તરાખંડ પરિવહન નિગમે રૂડકી અને ઋષિકેશ ડેપો સહિત આસપાસના અન્ય ડેપોથી 50 વધારાની બસોની માંગ કરી. પ્રવાસીઓનું દબાણ વધતાં બસોના વધારાના ફેરા પણ લગાવવામાં આવ્યા, જેથી લોકોને આવવા-જવામાં પરેશાની ન થાય.
સ્નાન પર્વને જોતા હરિદ્વારમાં વિશેષ યાતાયાત અને ડાયવર્ઝન યોજના લાગુ કરાઈ. રાજમાર્ગ પર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધિત રખાઈ, જ્યારે શહેરના પ્રમુખ માર્ગો અને ભીડભાડવાળા ક્ષેત્રોમાં ટ્રાફિક પોલીસ તૈનાત રહી. પ્રશાસને શ્રદ્ધાળુઓની સુવિધા અને પર્વને શાંતિપૂર્ણ ઢંગથી સંપન્ન કરાવવા માટે વ્યવસ્થાઓ કરી.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. રજનીકાંત શુક્લા / રાજેશ કુમાર પાંડેય / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ