
-પોલીસ ઇન્ફોર્મર હોવાની શંકામાં, નક્સલવાદીઓએ કરી હતી દિનેશ ગાવડેની હત્યા
-ત્રણ વર્ષ પછી પણ, સરકારી મદદના સહારે ચાલી રહ્યું છે પરિવારનું જીવન
લાહેરી (ગઢચિરોલી), નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.) ગઢચિરોલી જિલ્લામાં નક્સલવાદનો પ્રભાવ સમાપ્ત થવાની સાથે જ શાંતિ અને વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. બંદૂકોનો અવાજ શાંત થઈ ગયો છે, પરંતુ નક્સલી હિંસામાં અપનોને ગુમાવી ચૂકેલા પરિવારોના જીવનમાંથી દુઃખ અને સંઘર્ષનો અંધકાર હજુ સુધી દૂર થયો નથી. ભામરાગઢ તાલુકાના લાહેરી નિવાસી દિનેશ ગાવડેની નક્સલવાદીઓએ પોલીસ ઇન્ફોર્મર હોવાની શંકામાં નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ચૂક્યા છે, પરંતુ દિનેશના પરિવારની મુશ્કેલીઓ આજે પણ ઓછી થઈ નથી. પરિવારનો કમાતો દીકરો છીનવાઈ ગયા પછી હવે એક વૃદ્ધ પિતા અને દિવ્યાંગ પુત્રીનું ભવિષ્ય ચિંતાનો વિષય બન્યું છે. સરકારી આર્થિક સહાયના સહારે પરિવાર માંડ-માંડ ગુજરાન ચલાવી રહ્યો છે.
ભામરાગઢ તાલુકાના લાહેરી પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત પેનગુંડામાં 15 નવેમ્બર 2023ની રાત્રે, આ સનસનાટીભરી ઘટના બની હતી. પેનગુંડા-નેલગુંડા માર્ગ પર દિનેશ ગાવડેનો મૃતદેહ મળી આવ્યો હતો. નક્સલવાદીઓએ પથ્થરોથી કચડીને તેની હત્યા કરી હતી.ઘટનાસ્થળે નક્સલવાદીઓ દ્વારા છોડવામાં આવેલી ચિઠ્ઠીમાં દિનેશને પોલીસ ઇન્ફોર્મર જણાવતા તેની હત્યાની જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. દિનેશે પોતાનું ખાનગી ટ્રેક્ટર કામ માટે પેનગુંડા મોકલ્યું હતું. તેની જ દેખરેખ માટે તે ત્યાં ગયો હતો. આ દરમિયાન અડધી રાત્રે નક્સલવાદીઓ તેને ગામની બહાર લઈ ગયા અને તેની હત્યા કરી દીધી. જોકે, તત્કાલીન પોલીસ અધિક્ષક નીલોત્પલે સ્પષ્ટ કર્યું હતું કે, દિનેશ પોલીસનો ઇન્ફોર્મર નહોતો.
વિચારધારા અને રાજકીય સક્રિયતા પણ નિશાના પર બનવાનું કારણ?
સ્થાનીય ગ્રામીણોના જણાવ્યા અનુસાર, દિનેશની હત્યા પાછળ માત્ર બાતમીદાર હોવાનો શંકા જ કારણ નહોતું, પરંતુ તેની વિચારધારાથી પણ નક્સલવાદીઓ નારાજ હતા. દિનેશ ભાજપનો કાર્યકર્તા હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોથી પ્રભાવિત હતો. રાજકીય પ્રવૃત્તિઓની સાથે-સાથે તે વ્યવસાયના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ બનાવવા માંગતો હતો. તેનું સપનું હતું કે તે પોતાના પગ પર ઊભો રહે, આર્થિક રીતે મજબૂત બને અને પોતાના પરિવારને વધુ સારું જીવન આપે. પરંતુ નક્સલવાદીઓની હિંસાએ તેના આ સપનાઓને હંમેશાં માટે છીનવી લીધા. તત્કાલિન મુખ્યમંત્રી એકનાથ શિંદેના ગડચિરોલી પ્રવાસ દરમિયાન જ આ હત્યા થઈ હતી. એવું માનવામાં આવે છે કે સરકારને સંદેશ આપવાના હેતુથી પણ નક્સલવાદીઓએ આ ઘટનાને અજાણ્ત આપી હતી.
વૃદ્ધ કંધાઓ પર પરિવારનો બોજો, દીકરીના ભવિષ્યની ચિંતા-
નક્સલવાદનો પ્રભાવ ઓછો થયા પછી જ્યારે લાહેરીમાં, દિનેશના પરિવારની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો, ત્યારે ત્યાંનું વાસ્તવિક ચિત્ર અત્યંત મર્મસ્પર્શી જણાયું. દિનેશના પરિવારમાં હવે તેના વૃદ્ધ પિતા પુસ્સુ ગાવડે અને એક બૌદ્ધિક દિવ્યાંગ બહેન જ બાકી રહ્યા છે. પરિવારનું ગુજરાન સરકાર તરફથી મળેલી આર્થિક સહાયના સહારે ચાલી રહ્યું છે. ઉંમર વધી ગઈ છે, શરીર પહેલા જેવી મહેનત કરવા સક્ષમ નથી, પરંતુ આ હોવા છતાં પુસ્સુ ગાવડેએ, પોતાની ત્રણ એકર જમીનમાં કામ કરવું પડે છે. તેનું સૌથી મોટું કારણ પોતાની દીકરીના ભવિષ્યની ચિંતા છે. તેમને સતત આ સવાલ પરેશાન કરે છે કે તેમના પછી તેમની દીકરીની દેખભાળ કોણ કરશે? તેનું જીવન કેવી રીતે ચાલશે...? દીકરાને ગુમાવ્યાનું દુઃખ અને દીકરીના ભવિષ્યની ચિંતા, આ બંનેની વચ્ચે આ વૃદ્ધ પિતા આજે પણ જિંદગીની જંગ લડી રહ્યા છે. જે દીકરા પાસેથી ઘડપણનો સહારો મળવાની આશા હતી, તે જ દીકરો હવે આ દુનિયામાં નથી. દિનેશની સાથે પરિવારની આર્થિક સધ્ધરતા અને વધુ સારા ભવિષ્યની આશાઓ પણ સમાપ્ત થઈ ગઈ.
નક્સલવાદનો અંત આવ્યો, હવે પીડિત પરિવારના પુનર્વસનની વારી-
ગઢચિરોલી જિલ્લામાંથી નક્સલવાદનો પ્રભાવ સમાપ્ત થવો એ ચોક્કસપણે શાંતિ અને વિકાસની દિશામાં એક મોટી સિદ્ધિ છે. પરંતુ નક્સલી હિંસામાં પોતાના પરિવારના કમાઉ સભ્યોને ખોઈ ચૂકેલા લોકોનું શું? તેમના પુનર્વસનની જવાબદારી કોણ ઉઠાવશે? વડીલોની સુરક્ષા, નિરાશ્રિતોના ગુજરાન અને દિવ્યાંગોના ભવિષ્યની કાયમી વ્યવસ્થા ક્યારે થશે? નક્સલીઓએ દિનેશની હત્યા કરીને માત્ર એક યુવકની જિંદગી નથી છીનવી, પરંતુ આખા પરિવારનું ભવિષ્ય અંધકારમાં ધકેલી દીધું છે. બંદૂકોનો અવાજ બંધ થઈ જવા માત્રથી હિંસાના ઘા રૂઝાતા નથી. આ ઘા પર મલમપટ્ટી કરવા માટે આર્થિક સહાયતાની સાથે-સાથે કાયમી પુનર્વસન, રોજગાર અને સામાજિક સુરક્ષા પણ જરૂરી છે. નક્સલવાદનો અધ્યાય ભલે સમાપ્ત થઈ ગયો હોય, પરંતુ દિનેશ ગાવડે જેવા પીડિત પરિવારોની પીડા હજી પણ જીવંત છે. ગઢચિરોલીમાં શાંતિની સાચી સફળતા ત્યારે જ ગણવામાં આવશે, જ્યારે નક્સલી હિંસાથી ઉજાડેલા પરિવારોને પણ સન્માનજનક અને સુરક્ષિત જીવન મળી શકશે.
હિન્દુસ્થાન સમાચાર / મનીષ કુલકર્ણી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ