
ભૂવનેશ્વર, નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.). રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સંશોધન સંસ્થાઓ, મેડિકલ કોલેજો, યુનિવર્સિટીઓ અને વ્યાવસાયિક સંસ્થાઓને હોમિયોપેથીના ક્ષેત્રમાં મજબૂત સંશોધન સંસ્કૃતિ વિકસાવવા માટે પરસ્પર સહયોગ કરવા આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, હોમિયોપેથીની ભવિષ્યની વિશ્વસનીયતા અને શૈક્ષણિક પ્રતિષ્ઠા મોટાભાગે તેના સંશોધનની વૈજ્ઞાનિક સત્યનિષ્ઠા અને તેનાથી પ્રાપ્ત થતા ક્લિનિકલ પુરાવાઓની ગુણવત્તા પર નિર્ભર રહેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ, બુધવારે ભુવનેશ્વરમાં યોજાયેલા રાષ્ટ્રીય હોમિયોપેથી વૈજ્ઞાનિક સંમેલનમાં હાજરી આપતી વખતે આ વાતો કહી. તેમણે કહ્યું કે, હોમિયોપેથી ભારતની વિવિધ સ્વાસ્થ્ય સેવા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ ભાગ છે. દેશની સ્વાસ્થ્ય સેવા પ્રણાલીને સુલભ, સમતાવાદી, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જવાબદાર અને જનહિત પ્રત્યે સંવેદનશીલ બનાવવામાં સંસ્થાઓ, શોધકર્તાઓ, શિક્ષકો તથા સ્વાસ્થ્ય સેવા સાથે જોડાયેલા વ્યાવસાયિકોની મહત્વપૂર્ણ ભૂમિકા છે.
રાષ્ટ્રપતિએ કહ્યું કે, તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલો દરેક નિર્ણય દર્દીની ગરિમા, સુરક્ષા અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને લેવો જોઈએ. સ્વાસ્થ્ય સેવાઓનો અંતિમ ઉદ્દેશ્ય લોકોની પીડા ઓછી કરવાનો અને તેમના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવાનો છે. તેથી તબીબી ક્ષેત્રના દરેક વિભાગમાં દર્દીનું હિત સર્વોપરી હોવું જોઈએ.
તેમણે હોમિયોપથીના વિકાસમાં વૈજ્ઞાનિક સંશોધન અને ગુણવત્તાસભર ક્લિનિકલ પુરાવાઓની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો. રાષ્ટ્રપતિએ કહ્યું કે, હોમિયોપથીની વિશ્વસનીયતા અને શૈક્ષણિક પ્રતિષ્ઠાને મજબૂત બનાવવા માટે સંશોધનમાં વૈજ્ઞાનિક પ્રામાણિકતા તેમજ પુરાવા આધારિત દ્રષ્ટિકોણ અનિવાર્ય છે. તેમણે સંશોધન સંસ્થાઓ, મેડિકલ કોલેજો, યુનિવર્સિટીજ અને વ્યાવસાયિક સંસ્થાઓને આ દિશામાં મળીને કામ કરવા તથા સંશોધનની મજબૂત પરંપરા વિકસાવવા આગ્રહ કર્યો.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, એવી સ્વાસ્થ્ય સેવા વ્યવસ્થાનું નિર્માણ આવશ્યક છે, જેમાં દરેક વ્યક્તિને સમાન તક અને બહેતર સ્વાસ્થ્ય સુવિધાઓ મળી શકે. આ માટે તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ પક્ષોએ પોતાની જવાબદારીઓ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સંવેદનશીલતા અને દર્દીઓના હિતોને ધ્યાનમાં રાખીને નિભાવવી જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ