
વોશિંગ્ટન (અમેરિકા), નવી દિલ્હી, 25 નવેમ્બર (હિ.સ.): રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે, થેંક્સગિવિંગ તહેવાર પહેલાં વ્હાઇટ હાઉસમાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં બે ટર્કી પક્ષીઓને જીવનદાન આપ્યું. આ પક્ષીઓના નામ 'ફ્રીડમ' અને 'ફેધર્સ' છે. અમેરિકામાં દર વર્ષે થેંક્સગિવિંગ પહેલાં રાષ્ટ્રપતિ તરફથી ટર્કી પક્ષીઓને માફી આપવાની પરંપરા છે. મંગળવારે યોજાયેલા સમારોહમાં ટ્રમ્પે બંને પક્ષીઓનો પરિચય કરાવ્યો અને અમેરિકી નાગરિકોને થેંક્સગિવિંગની શુભકામનાઓ પાઠવી. તેમણે આ શુભકામના પોતાના પરિવાર અને અમેરિકાની પ્રથમ મહિલા તરફથી પણ આપી. આ વ્હાઇટ હાઉસની રજાઓ સાથે જોડાયેલી સૌથી ચર્ચાસ્પદ પરંપરાઓમાંની એક છે.
સીબીએસ ન્યૂઝના અહેવાલ મુજબ, આ વર્ષે વ્હાઇટ હાઉસમાં 79મો સમારોહ યોજવામાં આવ્યો હતો. તેની શરૂઆત વર્ષ 1947માં થઈ હતી. 1947માં નેશનલ ટર્કી ફેડરેશને તત્કાલીન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમને ટર્કી પક્ષી ભેટમાં આપ્યા હતા. જોકે, આ પક્ષીને ઓપચારિક રીતે માફી આપવાની પરંપરા વર્ષ 1989માં તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ એચ.ડબ્લ્યુ. બુશના કાર્યકાળમાં શરૂ થઈ હતી.
આ વર્ષે સમારોહ માટે પસંદ કરાયેલા બંને ટર્કી પક્ષીઓને વેસ્ટ વર્જીનિયાના ફોર્ટ સાયબર્ટમાં સ્કોટ અને બેકી રાઇટસેલે તેમના ફાર્મ પર ઉછેર્યા હતા. રાઇટસેલ પરિવાર પેઢીઓથી ખેતી કરી રહ્યો છે. પરિવાર માટે વ્હાઇટ હાઉસમાં પોતાના ફાર્મના પક્ષીઓને પ્રસ્તુત કરવા તે મોટી ઉપલબ્ધિ છે. વ્હાઇટ હાઉસમાં બંને ટર્કી પક્ષીઓને માફી આપવાનો કાર્યક્રમ વ્હાઇટ હાઉસના નવા હેલિપેડ પર યોજાયો હતો. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે આવતા વર્ષે ટર્કીને માફી આપવાનો કાર્યક્રમ તેમના નવા બોલરૂમમાં થશે. બોલરૂમને તેમણે અમેરિકામાં અત્યાર સુધી બનેલી સૌથી મજબૂત ઇમારત ગણાવી.
સ્કૉટ રાઇટસેલે આ આયોજનને ટર્કી ઉછેરતા ખેડૂતો માટે અત્યંત ખાસ ગણાવ્યું. તેમણે કહ્યું કે, આ આયોજન ખેડૂતો માટે કોઈ મોટી રમત મુકાબલા એટલે કે 'સુપર બાઉલ' જેવું છે. નેશનલ ટર્કી ફેડરેશનના અધ્યક્ષ ક્રિસ્ટી પફેનબાર્ગરના જણાવ્યા અનુસાર, આ બંને પક્ષીઓને સમારોહ માટે તૈયાર કરવાનું કામ ફેબ્રુઆરીમાં જ શરૂ થઈ ગયું હતું. જુલાઈમાં જ્યારે તેઓ નાના બચ્ચા તરીકે ફાર્મ પર પહોંચ્યા, ત્યારથી તેમની ખાસ દેખભાળ કરવામાં આવી. વ્હાઇટ હાઉસમાં સમારોહ દરમિયાન લોકોની ભીડ, કેમેરાના ચમકારા અને મોટા અવાજોથી પક્ષીઓ ગભરાઈ ન જાય, તે માટે રાઇસેલ પરિવાર દરરોજ તેમને આ પરિસ્થિતિઓથી ટેવાતો હતો.
બંને પક્ષીઓની પસંદગી તેમના સ્વભાવ અને શારીરિક બનાવટને જોઈને કરવામાં આવી હતી. રાઇસેલના મતે, આ માટે પક્ષીઓનું દેખાવમાં સુંદર હોવું અને શાંત સ્વભાવનું હોવું જરૂરી હતું. તેમણે તેની સરખામણી સૌંદર્ય સ્પર્ધા સાથે કરી. સ્કૉટ રાઇસેલે કહ્યું કે, જ્યારે તેમની આ આયોજન માટે પસંદગી કરવામાં આવી ત્યારે તેમનો આખો પરિવાર ખૂબ ખુશ થયો. તેમના ફાર્મ પર ઉછરેલા પક્ષીઓને અમેરિકી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવા એ તેમના માટે ગર્વની વાત છે.
થૅન્ક્સગિવિંગ અમેરિકાનો પ્રમુખ તહેવાર છે. આ દિવસે પરિવાર અને મિત્રો એકસાથે ભોજન કરે છે અને જીવનમાં મળેલી ખુશીઓ તથા સારી ચીજો માટે આભાર વ્યક્ત કરે છે. આ અવસરે ટર્કીનું માંસ પીરસવાની પરંપરા પણ લોકપ્રિય છે. રાષ્ટ્રપતિ દ્વારા બે ટર્કી પક્ષીઓને માફી આપવાનો અર્થ એ છે કે, તેમને ખાવા માટે મારવામાં આવશે નહીં અને તેઓ સુરક્ષિત રહેશે.
ટ્રમ્પે એક ટર્કીને કહ્યું, ફ્રીડમ, આ ક્ષણથી તને સંપૂર્ણપણે માફી આપવામાં આવે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, બીજું ટર્કી 'ફેધર્સ' ઝાડીઓમાં નાસી ગયું, પરંતુ તેને પણ માફી આપવામાં આવશે. 'ફ્રીડમ' અને 'ફેધર્સ'ને સોમવારે વૉશિંગ્ટનના વિલાર્ડ ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટલમાં રજૂ કરવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસ જતાં પહેલાં આ બંને ત્યાં એક સ્યુટમાં રોકાયા હતા. વ્હાઇટ હાઉસથી આ બંને પક્ષીઓ ટેક્સાસના કૉલેજ સ્ટેશન જશે. ત્યાં તેઓ તેમનું બાકીનું જીવન વિતાવશે.
'ફ્રીડમ' અને 'ફેધર્સ'ને તો બક્ષી દેવામાં આવ્યા છે, પરંતુ નેશનલ ટર્કી ફેડરેશનનું અનુમાન છે કે, આ થૅન્ક્સગિવિંગ પર દેશભરમાં લગભગ 30 મિલિયન ટર્કી લોકોના ખાવાના ટેબલ સુધી પહોંચશે. રાઇસેલ પરિવાર માટે મંગળવારનો આ કાર્યક્રમ તે ખેડૂતો અને મજૂરોને સન્માન આપવાનો પણ એક મોકો છે, જેમના પ્રતાપે આ થૅન્ક્સગિવિંગ પર અમેરિકીઓની થાળીમાં ભોજન પહોંચી શકે છે. રાઇસેલે કહ્યું, શહેરોમાં ઘણા લોકો વિચારે છે કે ખોરાક બસ જાદુથી વૉલમાર્ટમાં આવી જાય છે. પરંતુ તેની પાછળ ખૂબ મહેનત હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ