તૃતીય ઑલ ઇન્ડિયા, પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નું સમાપન
મુખ્યમંત્રીના હસ્તે ઓવરઑલ ચેમ્પિયન સીઆરપીએફની ટીમ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મણિપુર, મિઝોરમની વિજેતા ટીમોને ટ્રોફી અને વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરાયા અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પ
તૃતીય ઑલ ઇન્ડિયા, પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27નું સમાપન


- મુખ્યમંત્રીના હસ્તે ઓવરઑલ ચેમ્પિયન સીઆરપીએફની ટીમ ઉપરાંત ઉત્તર પ્રદેશ, મણિપુર, મિઝોરમની વિજેતા ટીમોને ટ્રોફી અને વિજેતા ખેલાડીઓને મેડલ એનાયત કરાયા

અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે આયોજિત ‘તૃતીય ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27ના સમાપન સમારંભમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોના આયોજનમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસકર્મીઓ આજે ખુદ અહીં ખેલાડી તરીકે રમતા નજરે પડ્યા, એ જોઈને આનંદ થાય છે. વડાપ્રધાનના 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના લક્ષ્યને આપ સૌએ મળીને અહીં સાકાર કર્યું છે, એમ કહીને તેમણે વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં શરૂ થયેલ 'ખેલ મહાકુંભ'થી રાજ્યમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થયું છે. તેમના માર્ગદર્શનમાં વિકસિત કરવામાં આવેલા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે ગુજરાત આજે નેશનલ અને ઇન્ટરનેશનલ ગેમ્સના આયોજનનું હબ બની રહ્યું છે.

વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સફળ પ્રયાસોથી ગુજરાત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે.

2029 માં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સના આયોજન માટે પણ ગુજરાત સંપૂર્ણપણે સજ્જ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડપ્રધાન નરેન્દ્રભાઈએ 'ફિટ ઇન્ડિયા'નો મંત્ર આપીને રમતગમતના માધ્યમથી સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ સમાજ દ્વારા સ્વસ્થ રાષ્ટ્રની પ્રેરણા આપી છે. 'ફિટ ઈન્ડિયા' અભિયાન હવે દેશના તમામ નાગરિકોની જીવનશૈલીમાં સકારાત્મક પરિવર્તન લાવનારું એક જનઆંદોલન બની ગયું છે, એવું તેમણે ઉમેર્યું હતું.

પોલીસ અને રમતગમતનો સંબંધ માત્ર શારીરિક ક્ષમતાનિર્માણ પૂરતો જ સીમિત નથી, પરંતુ તેનાથી માનસિક મજબૂતાઈ, ત્વરિત નિર્ણયશક્તિ, આત્મવિશ્વાસ અને ટીમ સ્પિરિટ પણ વિકસિત થાય છે. વર્દી પહેરીને સમાજની સુરક્ષા કરવી અને રમતના મેદાનમાં પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું—આ બંને જવાબદારીઓ ગૌરવપૂર્ણ છે. તમે આ બન્ને જવાબદારીઓને સફળતાપૂર્વક નિભાવી રહ્યા છો, એમ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં 251 થી વધુ મહિલા પોલીસકર્મીઓએ પણ પોતાની પ્રતિભા અને ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. નારીશક્તિ પોલીસ દળ અને રમતગમત જગત બન્ને ક્ષેત્રોમાં આગળ છે, તેનું આ એક બહુ મોટું ઉદાહરણ છે. ગુજરાતના ડી.જી.પી. મલિક પોતે પણ આ સ્પર્ધામાં એક ખેલાડી તરીકે મેદાનમાં ઉતર્યા અને સૌના માટે પ્રેરણા બન્યા, તેનું ગૌરવ છે, એવું તેમણે ઉમેર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને પહેલીવાર આ રાષ્ટ્રીય સ્તરની બેડમિન્ટન અને ટેબલ ટેનિસ સ્પર્ધાના આયોજનનો અવસર મળ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી ચૂક્યું છે. આ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડના આભારી છીએ.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના 'નશામુક્ત ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં પોલીસકર્મીઓની ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ડ્રગ્સના દૂષણને જડમૂળથી ખતમ કરવામાં તમે પૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કાર્યરત રહેશો અને 'વિકસિત ભારત 2047'ના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બનશો, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ ટૂર્નામેન્ટના સમાપનની સત્તાવાર જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીના હસ્તે ફ્લેગ હેન્ડિંગ સેરેમની કરવામાં આવી હતી.

આ પ્રતિયોગિતાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી, જેમાં બેડમિન્ટન ક્લસ્ટરમાં સીઆરપીએફ (CRPF) ઓવરઓલ ચેમ્પિયન અને મિઝોરમ પોલીસ રનર-અપ રહી હતી. ટેબલ ટેનિસ વિભાગમાં પુરુષોની ઓવરઓલ ચેમ્પિયનશિપમાં મણિપુર પોલીસે વિજેતા અને ઉત્તર પ્રદેશ પોલીસે રનર-અપ ટ્રોફી મેળવી હતી, જ્યારે મહિલાઓની ઓવરઓલ ચેમ્પિયનશિપમાં ઉત્તર પ્રદેશ પોલીસ ચેમ્પિયન અને મણિપુર પોલીસ રનર-અપ બની હતી.

આ સ્પર્ધામાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક અને આંધ્રપ્રદેશના સ્વરૂપા રાનીની જોડીએ મિક્સ ડબલ્સ 55+ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ ઉપરાંત, ગુજરાતના ડીવાયએસપી કે. મિની જોસેફ અને ડીવાયએસપી જીતેન્દ્ર યાદવે મિક્સ ડબલ્સ 50 + કેટેગરીમાં ગોલ્ડ મેડલ, જ્યારે ડીવાયએસપી જીતેન્દ્ર યાદવ અને હરિયાણા કેડરના ડીવાયએસપી વિપિન કાદિયાનની જોડીએ મેન્સ ડબલ્સ 40+ કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, જે તમામ વિજેતા ખેલાડીઓને મુખ્યમંત્રીના હસ્તે મેડલ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande