કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર, સોમનાથનું શિખર અને જ્યોતિર્લિંગ એક જ રેખામાં
સોમનાથ/અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર, સોમનાથનું શિખર અને જ્યોતિર્લિંગ એક જ રેખામાં આવ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર પર્વે પ્રકૃતિ અને પરમાત્માના આધ્યાત્મિક સંયો
On the midnight of Kartiki Purnima, the moon, the peak of Somnath and the Jyotirlinga are in a single line.


On the midnight of Kartiki Purnima, the moon, the peak of Somnath and the Jyotirlinga are in a single line.


સોમનાથ/અમદાવાદ,25 નવેમ્બર (હિ.સ.) કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ ચંદ્ર, સોમનાથનું શિખર અને જ્યોતિર્લિંગ એક જ રેખામાં આવ્યા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર પર્વે પ્રકૃતિ અને પરમાત્માના આધ્યાત્મિક સંયોગનાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મધ્યરાત્રિએ સર્જાયેલા આ નજારાએ સમગ્ર મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું.

કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ બરાબર 12 વાગ્યે આકાશમાં પૂર્ણ ચંદ્ર સોમનાથ મંદિરના શિખરની સીધી રેખામાં આવી પહોંચ્યા હતા. જાણે ચંદ્ર પોતાના આરાધ્ય ભગવાન સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર અમૃતવર્ષા કરી રહ્યા હોય તેવો દ્રશ્ય સર્જાયો હતો. આ દિવ્ય ક્ષણને નિહાળવા મંદિર પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયા હતા.

સોમનાથ મહાદેવ અને ચંદ્ર વચ્ચેનો પૌરાણિક સંબંધ કાર્તિકી પૂર્ણિમાના પર્વને આ તીર્થમાં વિશેષ ધાર્મિક મહત્ત્વ આપે છે. પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રએ ભગવાન શિવની આરાધના અને તપશ્ચર્યા કરી હતી. ચંદ્રની આ તપોભૂમિ સાથે જોડાયેલી પરંપરાને કારણે જ આ ક્ષેત્ર પ્રભાસ તીર્થ અને ભગવાન શિવ સોમનાથ તરીકે ઓળખાય છે. આથી કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ પૂર્ણ ચંદ્રના દર્શન ભક્તો માટે વિશેષ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યા હતા.

આ પ્રસંગે મધ્યરાત્રિએ 12 વાગ્યે સોમનાથ મહાદેવની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. મંત્રોચ્ચાર, શંખનાદ અને ઘંટારવના દિવ્ય નાદ વચ્ચે મહાઆરતીના દર્શન કરી ભાવિકોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. એક તરફ ભગવાન સોમનાથની ભવ્ય મહાઆરતી અને બીજી તરફ મંદિરના શિખરની સીધી રેખામાં પૂર્ણ ચંદ્રના દર્શનનો સંયોગ શ્રદ્ધાળુઓ માટે યાદગાર બની રહ્યો હતો.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે આયોજિત 5 દિવસીય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં આ ચંદ્રદર્શનનો નજારો વિશેષ આકર્ષણ બન્યો હતો. સમગ્ર પ્રભાસ તીર્થમાં હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી જયઘોષ સાથે ભક્તિમય માહોલ છવાયો હતો. આમ, કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ સોમનાથમાં મહાઆરતી, પૂર્ણ ચંદ્રદર્શન અને અમૃતવર્ષાના સંયોગે ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય સ્મૃતિ અંકિત કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande