
ભાવનગર, 27 નવેમ્બર (હિ.સ.) : ભાવનગરમાં એક ડ્રાઈવરે આર્થિક સંકડામણ વચ્ચે પણ લોભને ત્યજી પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જગદીશ રાધાણી નામના ડ્રાઈવરે ભંગારમાંથી મળી આવેલી 3.50 તોલાની સોનાની બંગડી તેના મૂળ માલિકને પરત સોંપી માનવતાનું કાર્ય કર્યું હતું.
સવિતાબેનની સોનાની બંગડી ભૂલથી ભંગારમાં આપી દેવામાં આવી હતી. તેમના ડ્રાઈવર જગદીશભાઈએ બંગડીને સામાન્ય તાંબા-પિત્તળની વસ્તુ સમજી પોતાના ઘરના ભંગારમાં મૂકી દીધી હતી. ત્રણ મહિના સુધી ઘરમાં બંગડી ન મળતાં સવિતાબેને જગદીશભાઈનો સંપર્ક કરી ભૂલથી બંગડી ભંગારમાં અપાઈ હોવાની જાણ કરી હતી.
આ વાત સાંભળીને જગદીશભાઈએ પોતાના ઘરે તપાસ કરતાં ઘરના ખૂણામાંથી બંગડી મળી આવી હતી. બંગડી સોનાની હોવાનું જાણવા છતાં તેમણે કોઈ લોભ રાખ્યા વિના બીજા જ દિવસે સવિતાબેનને બંગડી પરત આપી હતી. અમૂલ્ય બંગડી હેમખેમ પાછી મળતાં સવિતાબેન ભાવુક થઈ ગયા હતા.
ભાવનગર શહેરના 13 વોર્ડમાં 168 જેટલા ટેમ્પલ બેલ વાહનો કાર્યરત છે અને તેમાં કર્મચારીઓ મર્યાદિત આવકમાં સેવા આપે છે. આવા સંજોગોમાં જગદીશભાઈ રાધાણીની પ્રામાણિકતાને બિરદાવવા સ્થાનિક સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમનું આ કાર્ય સમાજમાં પ્રામાણિકતા અને માનવતાનો સંદેશ આપી ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA