
પાટણ, 27 નવેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કોટ ગામે આત્મા (ATMA) કચેરી દ્વારા, ખેડૂતો માટે ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક ખેડૂતોને પરંપરાગત ખેતીની સાથે આધુનિક કૃષિ પદ્ધતિઓ અને નવી ટેકનોલોજી અપનાવી પાકનું ઉત્પાદન વધારવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કૃષિ નિષ્ણાતો અને અધિકારીઓએ ખેતીમાં નવીન સાધનોના ઉપયોગ તથા વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સમોડાના પાક ઉત્પાદન નિષ્ણાત રાજુભાઈ ચૌધરીએ પાક ઉત્પાદન સાથે જોડાયેલી વિવિધ તકનીકી બાબતો સમજાવી હતી. તેમણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી પાકની ગુણવત્તા સુધારવા તેમજ એકમ દીઠ ઉત્પાદન વધારવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આત્મા પ્રોજેક્ટના તાલુકા મેનેજર કુલદીપભાઈ દેસાઈએ ખેતીમાં આધુનિક ટેકનોલોજીના વધતા ઉપયોગ અંગે માહિતી આપી હતી. તેમણે નવા કૃષિ સાધનોની કાર્યપદ્ધતિ, તેનો યોગ્ય ઉપયોગ અને સાધનો વાપરતી વખતે રાખવાની જરૂરી સાવચેતીઓ સમજાવી હતી. તાલીમમાં જોડાયેલા ખેડૂતોએ આધુનિક ખેતી પદ્ધતિઓ અંગે માહિતી મેળવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ