
ભાવનગર, 27 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીની આવકને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં લાલ ડુંગળીની વધતી આવક અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આજથી લાલ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડના સત્તાધીશોના જણાવ્યા મુજબ 27 નવેમ્બર, ગુરુવારના રોજ સવારે 9 વાગ્યાથી લાલ ડુંગળીની આવક બંધ રાખવામાં આવશે.
આવક બંધ રાખવાનો નિર્ણય આગામી 29 નવેમ્બર, શનિવારના રોજ સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. ત્યારબાદ 29 નવેમ્બરની સાંજે 6 વાગ્યાથી 30 નવેમ્બરની સવારે 9 વાગ્યા સુધી લાલ ડુંગળીની આવક ફરી શરૂ કરવામાં આવશે. આવક બંધ રહેવાના સમયગાળા દરમિયાન લાલ ડુંગળી ભરેલા કોઈપણ વાહનને માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જો કોઈ ખેડૂત કે વેપારી વાહન લઈને યાર્ડ ખાતે પહોંચશે તો વાહનને પરત લઈ જવું પડશે. યાર્ડના આ નિર્ણયને પગલે લાલ ડુંગળી લઈને આવતા ખેડૂતો અને વેપારીઓએ આવકના સમયનું ખાસ ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA