
પોરબંદર, 27 નવેમ્બર (હિ.સ.)પોરબંદર બંદર વિસ્તારના લકડી઼ બંદરથી સુભાષનગર હાર્બર મરીન પોલીસ સ્ટેશન સુધીના માર્ગ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉભી કરવા પોરબંદર માછીમાર બોટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
એસોસિએશનના જણાવ્યા મુજબ, આ માર્ગ પર માછીમારોની અવરજવર સતત રહે છે. માછીમારીના વાહનો ઉપરાંત માછલી ભરેલા વાહનો અને આસપાસના ચાર ગામોના સ્થાનિક નાગરિકોના વાહનો પણ આ માર્ગ પરથી પસાર થાય છે. જોકે, રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે માર્ગ અંધકારમય બની રહે છે. જેના કારણે અકસ્માતનો ભય રહે છે અને અગાઉ પણ અનેક લોકો અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.માર્ગ પર અપૂરતી પ્રકાશ વ્યવસ્થાને કારણે વાહનચાલકો અને રાહદારીઓની જાનમાલની સલામતી જોખમાય છે. આ અંગે અગાઉ અનેક વખત સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
એસોસિએશને વધુમાં જણાવ્યું છે કે, માર્ગ પર સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉભી કરવા ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) અને માર્ગ-મકાન વિભાગ (R&B) વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે. બંને વિભાગો વચ્ચે સંકલન અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ ન થતાં સ્થાનિક લોકો તથા માછીમારો પ્રાથમિક સુવિધાથી વંચિત રહે છે. આથી, માછીમારો, સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને સમગ્ર માર્ગ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉભી કરવા એસોસિએશને જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya