જૂનાગઢ 181 અભયમની સમયસૂચક કામગીરીથી ઘર છોડીને નીકળી ગયેલી પરિણીતા પરિવાર સાથે પુનઃ જોડાઈ
જૂનાગઢ, 27 નવેમ્બર (હિ.સ.) : પતિ સાથેના પારિવારિક વિખવાદ અને ઘરેલુ હિંસાના કારણે માનસિક તણાવમાં આવી સવા વર્ષના પુત્રને ઘરે મૂકીને ઘર છોડીને નીકળી ગયેલી પરિણીતાને જૂનાગઢની ૧૮૧ અભયમ ટીમે સમયસૂચક કામગીરી અને અસરકારક કાઉન્સેલિંગ દ્વારા મદદ પૂરી પાડી હત
જૂનાગઢ 181 અભયમની સમયસૂચક કામગીરીથી ઘર છોડીને નીકળી ગયેલી પરિણીતા પરિવાર સાથે પુનઃ જોડાઈ


જૂનાગઢ, 27 નવેમ્બર (હિ.સ.) : પતિ સાથેના પારિવારિક વિખવાદ અને ઘરેલુ હિંસાના કારણે માનસિક તણાવમાં આવી સવા વર્ષના પુત્રને ઘરે મૂકીને ઘર છોડીને નીકળી ગયેલી પરિણીતાને જૂનાગઢની ૧૮૧ અભયમ ટીમે સમયસૂચક કામગીરી અને અસરકારક કાઉન્સેલિંગ દ્વારા મદદ પૂરી પાડી હતી. ૧૮૧ ટીમે પતિ અને સાસુને સમજાવટ કરીને પારિવારિક વિવાદનો સુખદ ઉકેલ લાવ્યો હતો.

લગ્નજીવનનાં બે વર્ષ દરમિયાન પતિના વારંવારના ઝઘડા અને મારપીટના કારણે મહિલા માનસિક તણાવનો સામનો કરી રહી હતી. આ ઉપરાંત સાસુ સાથેના પારિવારિક મનદુઃખને કારણે પણ ઘરમાં અણબનાવની સ્થિતિ રહેતી હતી. તાજેતરમાં પતિ સાથે ફરીથી થયેલા વિવાદ અને મારપીટની ઘટનાથી વ્યથિત થઈ મહિલા સવા વર્ષના પુત્રને ઘરે જ મૂકીને ઘરેથી નીકળી ગઈ હતી. દરમિયાન રસ્તા પર એકલી અને રડતી હાલતમાં જોવા મળેલી મહિલાની સ્થિતિ અંગે એક જાગૃત નાગરિકે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલા અત્યંત વ્યથિત હોવાથી વાતચીત કરી શકતી નહોતી. જેથી નાગરિકે તાત્કાલિક ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદ માગી હતી.

મદદ માટેનો કોલ મળતાં જ ૧૮૧ અભયમની કાઉન્સેલર મેત્રા રિંકલ, કોન્સ્ટેબલ ઉજાલાબેન ખાણીયા અને પાયલોટ મનોજભાઈ વારસુરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે મહિલાને સંવેદનશીલતાથી સાંત્વના આપી વિશ્વાસમાં લીધા બાદ અભયમ વાનમાં સુરક્ષિત રીતે બેસાડી તેમના ઘરે પહોંચાડ્યા હતાં. ઘરે પહોંચ્યા બાદ ટીમે પતિ સાથે અલગથી કાઉન્સેલિંગ કર્યું હતું. આ દરમિયાન પત્ની પ્રત્યે સન્માનજનક વર્તન રાખવા અને ઘરેલુ વિખવાદનો ઉકેલ હિંસાને બદલે સંવાદથી લાવવા સમજાવ્યું હતું. ટીમે પતિને સમજાવ્યું હતું કે, જે હાથથી પિતાએ પોતાના બાળકને પ્રેમ આપવાનો છે, એ જ હાથથી તેની માતા પર હિંસા થાય તો બાળકના માનસિક વિકાસ અને સંસ્કાર પર તેની નકારાત્મક અસર પડી શકે છે. પત્ની જીવનસાથી છે, તેની સાથે પ્રેમ, સન્માન અને સમજણપૂર્વક વર્તવું એ પારિવારિક જવાબદારી છે.

ટીમની સમજાવટ બાદ પતિને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો. તેણે પત્નીની માફી માગી ભવિષ્યમાં આવું વર્તન નહીં કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ સાસુ-વહુ વચ્ચે પણ સંવાદ અને સમજાવટ દ્વારા ગેરસમજ દૂર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આમ, ૧૮૧ અભયમની ટીમે સંવેદનશીલ અભિગમ અને અસરકારક કાઉન્સેલિંગ દ્વારા મહિલાને પરિવાર સાથે પુનઃ જોડવામાં મદદ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande