
જૂનાગઢ, 27 નવેમ્બર (હિ.સ.) : ભારત દેશને વર્ષ ૨૦૧૪ માં પોલીયો મુક્ત જાહેર કરવામાં આવેલ છે. અત્યારે ભારત પોલીયો મુક્ત છે. હજુ પણ કેટલાક દેશોમાંથી પોલીયો નાબુદ ન થયો હોવાથી તે ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે.
જેથી ભારત દેશને પોલીયો મુક્ત બનાવી રાખવા માટે કેન્દ્ર સરકા દ્વારા પોલીયો રસીકરણ અભિયાન ચલાવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકારના ગત તા.૨૨ નવેમ્બરના રોજ આયોજિત પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તા.૨૨/૧૧/૨૦૨૬ થી તા.૨૪/૧૧/૨૦૨૬ સુધીમાં પોલિયો રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ૭૭૧ બુથ ઉપર આ સાથે જ ૨૭-મોબાઈલ અને ૩૭-ટ્રાન્ઝીટ ટીમ તથા હાઉસ ટુ હાઉસની ૧૧૧૧ ટીમના કુલ ૨૩૬૦ કર્મચારીઓ દ્વારા કુલ ૦ થી ૫ વર્ષના ૧,૦૧,૫૧૩ બાળકોને પોલીયોની રસી પીવડાવી સુરક્ષિત કરવામાં આવ્યા હતા.
પલ્સ પોલીયો રસીકરણ અભિયાનમા પ્રથમ દિવસે બુથ ઉપર પોલિયો રસીના ટીપા પીવડાવવામાં આવ્યા હતા અને બીજા અને ત્રીજા દિવસે કુલ ૨,૫૭,૪૧૫ ઘરોની મુલાકાત દરમ્યાન બાકી રહેલા બાળકોને પણ પોલીયોની રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા. તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ