


રાપર તાલુકામાં ફ્લાઈંગ સ્ક્વોડની મોટી કાર્યવાહીથી ખનિજ ચોરીના નેટવર્કમાં ફફડાટ; એક હિટાચી મશીન સહિત 14 ખાલી ડમ્પર સીઝ કરાયાં
કચ્છ, 27 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સરકારી ખનિજ સંપત્તિની ગેરકાયદે હેરાફેરી અને ખનન સામે તંત્ર દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી રહી છે. ખનિજ ચોરી અંગે વારંવાર મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈને ખાણ-ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે રાપર તાલુકાના ગાગોદર ગામની સીમમાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ચાઇના ક્લે ખનિજનું ગેરકાયદે ખનન કરવાની પ્રવૃત્તિ સામે આવતાં ટીમે સ્થળ પરથી મશીનરી અને વાહનો સહિત અંદાજે રૂ. 4.45 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કચ્છના કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ભુજ સ્થિત મદદનીશ નિયામકની ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ખનિજ ચોરીની પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન મળતી ફરિયાદોના આધારે તપાસ ટીમે ખાનગી વાહનનો ઉપયોગ કરીને રાપર તાલુકાના ગાગોદર ગામને લાગુ પડતા સીમ વિસ્તારમાં પહોંચી ગુપ્ત તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પર ચાઇના ક્લે ખનિજનું કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વિના ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
તંત્રની ટીમે સ્થળ પરથી ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતું એક હિટાચી એક્સકેવેટર મશીન ઝડપી પાડ્યું હતું. આ ઉપરાંત ખનિજ ભરવા માટે સ્થળ પર પહોંચેલા 14 ખાલી ડમ્પરોને પણ અટકાવવામાં આવ્યા હતા. આમ, એકસાથે મોટી સંખ્યામાં વાહનો અને ખનન મશીનરી હાથ લાગતાં આ કાર્યવાહી ખનિજ ચોરી સામેની મહત્વપૂર્ણ કાર્યવાહી બની છે.
ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા તમામ વાહનો અને મશીનરીને કાયદેસરની પ્રક્રિયા હેઠળ સીઝ કરવામાં આવ્યાં હતાં અને આગળની કાર્યવાહી માટે ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યાં છે. જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 4.45 કરોડ હોવાનું જણાવાયું છે.
હાલ આ સમગ્ર મામલે ખાણ-ખનિજ વિભાગ દ્વારા નિયમોનુસારની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાગોદરની સીમમાં થયેલી આ મોટી કાર્યવાહીએ કચ્છમાં ગેરકાયદે ખનન કરનારાઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી ખનિજ સંપત્તિની ચોરી સામે તંત્રની નજર સતત રહેશે અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar