
પાટણ, 27 નવેમ્બર (હિ.સ.) : હિમાલય પરિવાર દ્વારા આયોજિત 31મી સિંધુ દર્શન યાત્રા-2027 માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી દર વર્ષે આશરે 1,000 યાત્રિકો આ યાત્રામાં જોડાય છે. ગુજરાત સરકાર દ્વારા યાત્રિકોને આર્થિક સહાય અને સબસિડી પણ આપવામાં આવે છે.
સિંધુ દર્શન યાત્રાની સંકલ્પના વર્ષ 1996માં તૈયાર થઈ હતી અને પ્રથમ યાત્રા 1997માં યોજાઈ હતી. આ યાત્રાને રાષ્ટ્રીય ઓળખ વર્ષ 2000માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની હાજરીથી મળી હતી. યાત્રાના આયોજનમાં લાલકૃષ્ણ અડવાણી, તરૂણ વિજય અને ઇન્દ્રેશ કુમારનું મહત્વનું યોગદાન રહ્યું છે.
યાત્રા દરમિયાન શ્રીનગર, સોનમર્ગ, કારગિલ અને લેહ સહિતનાં સ્થળોની મુલાકાત લેવામાં આવે છે. યાત્રિકોને સિંધુ નદીના દર્શન સાથે ભારતીય સંસ્કૃતિ, લદ્દાખની પ્રાકૃતિક સુંદરતા અને કારગિલના સૈનિકોના શૌર્ય વિશે જાણવાની તક મળે છે. આ યાત્રાથી હિંદુ અને બૌદ્ધ સમાજ વચ્ચે સાંસ્કૃતિક સંબંધો પણ મજબૂત બન્યા છે.
હિમાલય પરિવારના ગુજરાત પ્રદેશ મહામંત્રી હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, 31 વર્ષથી યોજાતી આ યાત્રાના કારણે લદ્દાખને દેશ-વિદેશમાં નવી ઓળખ મળી છે. યાત્રાથી સ્થાનિક હોટેલ, હોમસ્ટે, ટેક્સી, પરિવહન અને હસ્તકલાના વ્યવસાયોને પ્રોત્સાહન મળ્યું છે તથા રોજગારીની નવી તકો ઊભી થઈ છે.
યાત્રામાં જોડાવા ઇચ્છુક લોકો માટે રજિસ્ટ્રેશન શરૂ છે. વધુ માહિતી અને નોંધણી માટે વેબસાઇટ www.sindhudarshan.org, ઇમેઇલ sindhudarshan8@gmail.com અથવા મોબાઇલ નંબર 9725417900 પર સંપર્ક કરી શકાય છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ