ઋષભયાન 3.O ઉદ્ઘાટન સમારોહ અને સર્વધર્મ સંત સમાગમ કાર્યક્રમમાં, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
ગાંધીનગર, 27 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, વડોદરાના નવલખી મેદાન ખાતે લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ''ઋષભયાન-૩'' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૂજ્ય ગુરુ ભગવંતો અને દેશ-વિદેશથી પધારેલા સંતગણને વંદન કરીને આશીર્વાદ મ
ઋષભયાન 3.O ઉદ્ઘાટન સમારોહ અને સર્વધર્મ સંત સમાગમ


ઋષભયાન 3.O ઉદ્ઘાટન સમારોહ અને સર્વધર્મ સંત સમાગમ


ગાંધીનગર, 27 નવેમ્બર (હિ.સ.) : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, વડોદરાના નવલખી મેદાન ખાતે લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત 'ઋષભયાન-૩' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પૂજ્ય ગુરુ ભગવંતો અને દેશ-વિદેશથી પધારેલા સંતગણને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

વર્ષ-૨૦૨૪ થી શરૂ થયેલી ઋષભયાનની યાત્રાના વધતા વ્યાપ અને વડોદરામાં સફળ આયોજન બદલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુરુ ભગવંતોના આશીર્વાદ અને માર્ગદર્શન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડના શિક્ષણ, કલા અને સંસ્કૃતિના વારસાનો ઉલ્લેખ કરતાં સંઘવીએ કહ્યું કે ઋષભદેવ સંબંધિત ગ્રંથોના અંગ્રેજી અનુવાદનો ઇતિહાસ પણ વડોદરા સાથે જોડાયેલો હોવાથી આ ભૂમિ પર આયોજન વિશેષ આનંદદાયક છે.

પોતના સંબોધનમાં હર્ષ સંઘવીએ ભગવાન ઋષભદેવને માનવ સભ્યતાના પ્રથમ રાજા અને શિક્ષક ગણાવતાં ખેતી, લેખન, કલા અને કૌશલ્ય દ્વારા માનવ જીવનને સુવ્યવસ્થિત બનાવવામાં તેમના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય પરંપરામાં ધર્મ માત્ર નિયમો કે નિષેધ પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં પ્રશ્ન પૂછવાની, તર્ક કરવાની અને સંવાદ સાધવાની પરંપરા જીવંત રહી છે, જ્યાં સત્યને વિવિધ દ્રષ્ટિકોણથી સમજવાની અનેકાંતની દ્રષ્ટિ પણ રહેલી છે. વર્તમાન સોશિયલ મીડિયાના સમયમાં મતભેદ ઘણીવાર આક્ષેપ, અપમાન કે વ્યક્તિગત આક્રોશમાં પરિણમે છે ત્યારે પરસ્પર આદર જાળવી રાખવા, બીજાના વિચારો સાંભળવા અને સંવાદના દરવાજા ખુલ્લા રાખવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

આ વર્ષના 'ઋષભયાન'ના મુખ્ય વિષય 'દંડનીતિ અને ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંતો' અંગે વિચારો રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું કે, દંડનીતિનો અર્થ માત્ર સજા આપવાનો નથી, પરંતુ સમાજમાં ન્યાય અને વ્યવસ્થા જાળવવાનું તે શાસ્ત્ર છે. ભૂલથી થયેલા ગુના અને જાણીજોઈને કે, વારંવાર આચરવામાં આવતા ગુના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરતાં તેમણે સમાજની શાંતિ અને સુરક્ષા માટે ટેવવશ ગુનેગારો સામે કડક વલણ અપનાવવાની આવશ્યકતા દર્શાવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં અમલમાં મૂકાયેલા ત્રણ નવા કાયદાઓ -ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ -આઝાદ ભારતની ન્યાય વ્યવસ્થાને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરી ભારતીય મૂલ્યો અને નાગરિક કેન્દ્રિત અભિગમ સાથે જોડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ છે.

અંતમાં, વડોદરાને 'વિકાસ ભી, વિરાસત ભી'ના મંત્રનું ઉત્તમ ઉદાહરણ ગણાવતાં સંઘવીએ શહેરની સાંસ્કૃતિક વિરાસતની સાથે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ વડોદરામાં નિર્મિત સી-૨૯૫ વિમાનની સફળતાનો ઉલ્લેખ કર્યો હતો. સમાજસેવા અને જાહેર જીવનના પોતાના અનુભવો વ્યક્ત કરતાં તેમણે માર્ગદર્શકો, સંતો અને નાગરિકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. અને સૌના આશીર્વાદથી લોકકલ્યાણ તથા સમાજકલ્યાણ માટે કાર્યરત રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

 

કાર્યક્રમના પ્રારંભે તેમણે ઋષભ કૌશલ કેન્દ્ર, કલા કેન્દ્ર, વાણિજ્ય કલા, પાક કલા જેવા વિવિધ કેન્દ્રોની મુલાકાત લઈ લોકો માટે ખુલ્લા મૂક્યા હતા અને વર્ષ-૨૦૨૫ માં મુંબઈમાં આયોજીત ઋષભયાન-૨ ના ગ્રંથનું વિમોચન કર્યું હતું.

સંત-મહંતોની પાવન નિશ્રામાં આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande