
પાટણ, 27 નવેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લાના રાધનપુર-સમી હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ફિલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો હતો. બાસ્પા ગામની સીમમાં મહિન્દ્રા બોલેરો કારમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 3,807 બોટલો, કિંમત રૂ.8,11,146 સાથે રાજસ્થાનના 26 વર્ષીય સુરેશકુમાર રામારામ ગોદારા (બિશ્નોઈ)ને ઝડપી પાડ્યો હતો.
બાતમીના આધારે પોલીસે GJ-08-FA-4227 નંબરની સફેદ બોલેરો કારનો પીછો શરૂ કર્યો હતો. ગોચનાદ ગામની સીમમાં બનાસ નદીના પુલ પાસે કાર રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે તૂટેલા કાચ સાથે ગફલતભરી રીતે કાર હંકારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાસ્પા ગામ નજીક HP પેટ્રોલ પંપ પાસે કાર ઊભી રાખીને ભાગવા જતાં તેનો મોબાઈલ પડી ગયો હતો અને તે ફસડાઈ પડતાં પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
પકડાયેલ આરોપી સુરેશકુમાર રામારામ ગોદારા રાજસ્થાનના બાલોતરા જિલ્લાના ગુડામાલાણી તાલુકાના મોખાવા ગામનો રહેવાસી છે. પોલીસ તપાસમાં બોલેરોમાં કાળા કપડા નીચે સંતાડેલી દારૂ અને બિયરની 3,807 બોટલો મળી આવી હતી. પોલીસે રૂ.10 લાખની બોલેરો, રૂ.8,11,146નો દારૂ અને રૂ.20 હજારના 2 મોબાઈલ ફોન સહિત કુલ રૂ.18,31,146નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે તેના મોટા ભાઈ રામારામે સાંચોર તાલુકાના બીરાવા ગામે જાટ નામના શખસના ઠેકા પરથી દારૂ ભરાવી આપ્યો હતો. ત્યારબાદ વોટ્સએપ મારફતે હારીજના જલારામ મંદિર પાસેનું લોકેશન મોકલી કાર અન્ય શખસને સોંપવાની હતી. આ ઉપરાંત બંને વિરુદ્ધ અગાઉ લાંઘણજ અને બાલીસણા પોલીસ મથકમાં પણ દારૂના ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે સમી પોલીસે સુરેશકુમાર, બીરાવાનો જાટ નામનો શખસ, ફાસ્ટેગ ધારક અને દારૂ મંગાવનાર અજાણ્યા શખસ સહિત કુલ 5 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ અને BNSની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ