
-તિરુવલ્લૂરમાં બનેલી દુર્ઘટનામાં એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત-લોખંડની પાઇપ વીજળીના તારના સંપર્કમાં આવવાથી સર્જાઈ દુર્ઘટના
ચેન્નઈ, નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.): તમિલનાડુના તિરુવલ્લૂર જિલ્લામાં દ્રવિડ મુનેત્ર કડ઼ગમ (ડીએમકે) યુવા પાંખના સચિવ અને ચેપોક વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય ઉદયનિધિ સ્ટાલિનના જન્મદિવસનું બેનર લગાવતી વખતે વીજળીનો કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ દુર્ઘટનાના કારણે વિસ્તારમાં શોક અને આઘાતનું વાતાવરણ છે. ઇજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સઘન સારવાર કરવામાં આવી રહી છે.
વાસ્તવમાં, આજે ઉદયનિધિ સ્ટાલિનનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેના જ ભાગરૂપે તિરુવલ્લૂર જિલ્લાના વાણી સત્રમ વિસ્તારમાં ડીએમકે હોદ્દેદારો દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવતું બેનર લગાવવામાં આવી રહ્યું હતું. આ કામમાં અન્ના નગર નિવાસી વીરવેન્દર (22), કારણી ગામ નિવાસી વેલન (30) અને વાણી સત્રમ નિવાસી અલ્બર્ટ (22) સામેલ હતા.
એવું જણાવવામાં આવ્યું છે કે, બેનર લગાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલી લોખંડની પાઇપ અચાનક ઉપરથી પસાર થઈ રહેલા વીજળીના તારના સંપર્કમાં આવી ગઈ હતી. જેના કારણે પાઇપમાં કરંટ પ્રવાહિત થઈ ગયો અને ત્રણેય યુવકો વીજળીનો આંચકો લાગવાથી ફંગોળાઈને દૂર જઈને પડ્યા.
દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય યુવકોને સ્થાનિક લોકોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યાં તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ)માં દાખલ કરીને સારવાર શરૂ કરવામાં આવી. જોકે, સારવાર દરમિયાન વીરવેન્દર અને વેલનનું મોત થઈ ગયું. અલ્બર્ટની હોસ્પિટલમાં સઘન સારવાર ચાલુ છે. એવું જણાવવામાં આવ્યું છે કે, મૃતક બંને યુવકો વિસ્તારના ડીએમકે બ્લોક સચિવ થંગમ મુરલીના સગા સંબંધી હતા.
આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. બેનર લગાવતી વખતે લોખંડની પાઇપ વીજળીના તારના સંપર્કમાં કેવી રીતે આવી અને સુરક્ષા સંબંધી સાવચેતીઓનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં, તેની તપાસ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / ઉદય કુમાર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ