
પોરબંદર, 27 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન શરૂ થયા બાદના છ મહિનામાં શહેરના વિકાસને નવી ગતિ મળી છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા છ મહિનાના શાસનકાળ દરમિયાન હાથ ધરવામાં આવેલા વિકાસકાર્યો અને આગામી આયોજનનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. મેયર સાગર મોદીના નેતૃત્વમાં, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળની સતત દેખરેખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરાના માર્ગદર્શન તથા સંકલનથી શહેરના વિવિધ વિસ્તારોમાં માળખાકીય અને પાયાની સુવિધાઓના વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે.
પોરબંદરના વિકાસને માત્ર વાયદાઓ સુધી સીમિત ન રાખીને જમીન પર સાકાર કરવાના અભિગમ સાથે રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ, સ્વચ્છતા, પર્યાવરણ, બાગ-બગીચા, સુરક્ષા અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવિયા અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન અને સહકારથી શહેરને અનેક માળખાકીય સુવિધાઓની ભેટ મળી રહી છે.
*રસ્તા, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓને પ્રાથમિકતા*
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ કામોને સૈદ્ધાંતિક મંજૂરી મેળવી કામગીરી આગળ ધપાવવામાં આવી છે. શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્માર્ટ સ્ટ્રીટલાઇટ, ઉત્તર અને દક્ષિણ ઝોનમાં પાણીની નવી પાઈપલાઈન, ભૂગર્ભ ગટર, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, હેરિટેજ લાઇબ્રેરીનું નવીનીકરણ, કમલાનહેરુ ગાર્ડન, એમ.ઈ.એમ. સ્કૂલ, રતનપર વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, રતનપર સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટ, ટ્રાન્સફર સ્ટેશન, સુકાળા તળાવનો વિકાસ, રતનપર બીચ, સ્પોર્ટ્સ પાર્ક, આંગણવાડીઓ અને આધુનિક આઈઓટી ફ્લો મીટર સિસ્ટમ જેવા મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્યા છે.
આ ઉપરાંત વિવિધ વિકાસકામો તબક્કાવાર પૂર્ણતાની દિશામાં આગળ વધી રહ્યાં છે. એમ.ઈ.એમ. સ્કૂલ, સ્ટ્રીટલાઇટ રિનોવેશન, ખાપટ વોર્ડ ઓફિસ અને ખાપટ ગામતળના મેટલ રોડ સહિતનાં કામોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
*વરસાદી પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશનની સુવિધા*
પોરબંદરના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ગોઢાણિયા કોલેજ પાસેના પમ્પિંગ સ્ટેશનથી બિરલા, છાયા કોઝવે નજીક બિરલા પમ્પિંગ સ્ટેશન અને ચાડેશ્વર મંદિર નજીક છાયા-રણ પમ્પિંગ સ્ટેશન સહિતનાં મહત્વપૂર્ણ કામો હાથ ધરવામાં આવ્યાં છે. આ પમ્પિંગ સ્ટેશનો કાર્યરત થતાં આગામી ચોમાસામાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે.
*શહેરી સડક યોજનાથી રસ્તાઓનું નવીનીકરણ*
શહેરના તમામ વોર્ડમાં રસ્તાઓનું રિસરફેસિંગ, નવા રસ્તાઓનું નિર્માણ, સી.સી. રોડ, પેચવર્ક અને પેવર બ્લોકની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો સહિત આંતરિક વિસ્તારોના રસ્તાઓને પણ સુવિધાયુક્ત બનાવવાનું આયોજન છે. રસ્તાઓની ગુણવત્તા સુધારી નાગરિકોને ખાડામુક્ત અને સુવ્યવસ્થિત માર્ગોની સુવિધા મળે તે દિશામાં મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
*આઉટગ્રોથ વિસ્તારોને પણ મુખ્ય શહેર જેવી સુવિધાઓ*
ભાજપ શાસન દરમિયાન વિકાસને માત્ર શહેરના મુખ્ય વિસ્તારો સુધી મર્યાદિત ન રાખતાં આઉટગ્રોથ વિસ્તારોને પણ સમાન સુવિધાઓ મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાંઘાવાવ, દિગ્વિજયગઢ, ખાપટ, રતનપર, વનાણા, સનિસિટી, જનકપુરી, અવધ પાર્ક, બોખીરા, ગાયત્રી પાર્ક અને ઓમનગર સહિતના વિસ્તારોમાં ઇ.એસ.આર., જી.એસ.આર., પાણીની પાઈપલાઈન, રસ્તા અને વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારોના નાગરિકોની વર્ષો જૂની માંગણીઓને પૂર્ણ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
*પોરબંદરને મળશે નવી ઓળખ : ગૌરવપથ અને બ્યુટીફિકેશનનાં કામો*
પોરબંદર શહેરને વધુ સુંદર, સ્વચ્છ અને આકર્ષક બનાવવા છાયા મેઈન રોડને આઈકોનિક રોડ એટલે કે ગૌરવપથ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લોયન્સ હોટલ સામે ગાર્ડન, નાગાર્જુન સિસોદિયા ગાર્ડન, બંદર રોડ બ્યુટીફિકેશન, ઈ-ગવર્નન્સ અને આધુનિક સાધનોની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. નાગાર્જુન સિસોદિયા ગાર્ડન, કનકાઈ ગાર્ડન અને અટલ ગાર્ડનનાં કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. છાયા ઓફિસના આધુનિકીકરણની કામગીરી પણ પૂર્ણતાની નજીક છે.
મેયર સાગર મોદીના જણાવ્યા અનુસાર પોરબંદર માત્ર સુદામાની નગરી જ નહીં, પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પણ છે. દેશ-વિદેશના પ્રવાસીઓ પોરબંદરની મુલાકાત લે ત્યારે તેમને સુંદર, સ્વચ્છ અને આધુનિક શહેરનો અનુભવ થાય તેવા હેતુથી વિકાસકાર્યોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
*આગામી વર્ષના વિકાસ માટે પણ વિસ્તૃત આયોજન*
ચાલુ વિકાસકાર્યોની સાથે આગામી નાણાકીય વર્ષ માટે પણ મહાનગરપાલિકા દ્વારા વિસ્તૃત આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. માળખાકીય વિકાસ, પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટલાઇટ, નાગરિક સુવિધાઓ, વૃક્ષારોપણ, જાહેર શૌચાલય, ફૂડ ઝોન, ફૂડ વેસ્ટ પ્લાન્ટ, સોલાર સિસ્ટમ, સીસીટીવી કેમેરા, સુકાળા તળાવ, સ્મશાન વિકાસ, ફાયર સ્ટેશન, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, સી એન્ડ ડી વેસ્ટ પ્લાન્ટ, કોમ્યુનિટી હોલ, ગાર્ડન અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સહિતનાં કામોને પ્રાથમિકતા આપવામાં આવી છે.
આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તારોમાં પાણીની ટાંકી, પાણીની પાઈપલાઈન અને અન્ય પાયાની સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે. શહેરના વિવિધ વોર્ડમાં રસ્તાઓનું નવીનીકરણ, સી.સી. રોડ, રિસરફેસિંગ, પેચવર્ક અને પેવર બ્લોકનાં કામો પણ હાથ ધરવામાં આવશે.
*મંત્રીઓના માર્ગદર્શન અને સહકારથી વિકાસને વેગ*
પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદીએ જણાવ્યું હતું કે શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું સતત માર્ગદર્શન તથા સહયોગ મળી રહ્યો છે. રાજ્યના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવિયાની સતત જહેમત અને પ્રયત્નોથી પોરબંદર માટે વિવિધ વિકાસ યોજનાઓ અને ગ્રાન્ટ મંજૂર થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મહાનુભાવોનો મેયરે આભાર વ્યક્ત કર્યો હતો.
*ટીમવર્ક એ જ સફળતાનું રહસ્ય*
મહાનગરપાલિકાના વિકાસકાર્યો પાછળ પદાધિકારીઓ, કોર્પોરેટરો, અધિકારીઓ અને કર્મચારીઓનું સંકલિત ટીમવર્ક રહેલું છે. મેયર સાગર મોદીના નેતૃત્વમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિતની ટીમ શહેરના વિકાસકાર્યોને સમયસર પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ છે.
મેયર સાગર મોદીએ જણાવ્યું હતું કે પોરબંદરનો વિકાસ માત્ર મહાનગરપાલિકાની જવાબદારી નથી, પરંતુ સૌ નાગરિકોના સાથ અને સહકારથી જ શહેરને શ્રેષ્ઠ બનાવી શકાશે. પોરબંદરને ગુજરાતનાં સ્વચ્છ, સુંદર અને આધુનિક શહેરોમાં સ્થાન અપાવવાનો સંકલ્પ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya