
ભાવનગર, 27 નવેમ્બર (હિ.સ.)તલગાજરડા સ્થિત શ્રી ચિત્રકૂટધામ ખાતે પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે સમૂહલગ્ન અને સંતવાણી સન્માનનો સાત્વિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મોરારિબાપુએ ભજનની મહત્તા સમજાવતા કહ્યું હતું કે, ભજન કરી ધર્મગુરુ સિદ્ધાંત આપે છે, જ્યારે સદગુરુ સત્ય આપે છે.
કાર્યક્રમમાં સંતવાણી ગાયકો, સંગીતકારો અને ભજનના આરાધકોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરારિબાપુએ આ ઉપક્રમને ભજન વંદનાનું પ્રતીક ગણાવી રાજીપો વ્યક્ત કર્યો હતો. ભજનથી શું મળે તે અંગે વાત કરતાં તેમણે તુલસીદાસજીના ઉલ્લેખ સાથે ભજનમાર્ગની આધ્યાત્મિક પ્રાપ્તિનો મહિમા સમજાવ્યો હતો.
આ પ્રસંગે સુખરામજીબાપુ મોટાભમોદરાની આદિ સર્જક વંદના કરવામાં આવી હતી. ભજનિક દેવરાજ ગઢવી, તબલાવાદક પ્રતાપભાઈ બારોટ, હિતેશગીરી ગોસાઈ અને મંજીરવાદક સંજયભાઈ કાપડીને સંતવાણી સન્માન એનાયત કરાયું હતું. કાર્યક્રમનું સંચાલન હરિશ્ચંદ્રભાઈ જોષીએ કર્યું હતું.
પ્રભુદાસબાપુની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા સમૂહલગ્નમાં ગામની દીકરીઓએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો હતો. કાર્યક્રમમાં ભક્તિરામબાપુ, ભિખુદાન ગઢવી, નિરંજનભાઈ પંડ્યા, હેમંતભાઈ ચૌહાણ, પુરુષોત્તમ રૂપાલા, શિવાભાઈ ગોહિલ, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર સહિત સાહિત્યકારો, કલાકારો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA