
પાટણ, 27 નવેમ્બર (હિ.સ.) : વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર વિભાગના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભાવાણીએ ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન તેઓ સૌપ્રથમ તેનીવાડા ગામ પહોંચ્યા હતા, જ્યાં હિન્દુ સમાજ પર થયેલા હુમલાની ઘટના અંગે સ્થાનિક લોકો સાથે વાતચીત કરી પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. ત્યારબાદ ભાગડ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે પણ હુમલાની ઘટનાઓ અંગે ચર્ચા કરી હતી.
ત્યારબાદ તેઓ પાલનપુર પહોંચ્યા હતા, જ્યાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી સંગઠનનાં કાર્યો અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ સિદ્ધપુરમાં રોહિત પંચોલીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ તેમની સાથે મુલાકાત કરી હતી.
સિદ્ધપુરમાં યોજાયેલી બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના હિતચિંતક અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. દરેક પરિવાર સુધી સંગઠનનો વિચાર પહોંચાડવા, વધુમાં વધુ લોકોને અભિયાન સાથે જોડવા તેમજ સંગઠનના ઉદ્દેશ્યો અને સમાજમાં તેની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રવાસ દરમિયાન પાલનપુર અને સિદ્ધપુરના સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ