

ગાંધીનગર, 27 નવેમ્બર (હિ.સ.) : સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા પ્રથમ વખત ત્રણ દિવસીય ચિંતન શિબિર ‘ઉત્કર્ષ સંવાદ-2026’નું આયોજન વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું.
વિભાગના સચિવ હર્ષદ પટેલ (IAS)ના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં યોજાયેલી આ શિબિરમાં વિભાગના વહીવટી અધિકારીઓ, ખાતાના વડાઓ તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘સામૂહિક સંવાદ, સામૂહિક વિકાસ’ની થીમ સાથે યોજાયેલી આ શિબિરમાં વિભાગની કામગીરી, વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અને ભવિષ્યના આયોજન અંગે વ્યાપક ચિંતન-મંથન કરવામાં આવ્યું હતું.
ધરમપુર સ્થિત શ્રીમદ રાજચંદ્ર આશ્રમના પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલી આ શિબિરમાં સરકારી કામગીરી અને વહીવટી વિષયો પર ચર્ચા-વિચારણા ઉપરાંત સવારના સત્રમાં યોગ, પ્રાણાયામ અને સાઉન્ડ બાથ મેડિટેશન જેવી પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરમાં સચિવાલયના વહીવટી વિભાગ, ખાતાના વડાઓની કચેરીઓ અને જિલ્લા કક્ષાના અધિકારીઓની વિવિધ ટીમો દ્વારા AI આધારિત ઉકેલો, ડિજિટલ સોલ્યુશન્સ અને ડિજિટલ ગવર્નન્સ, દિવ્યાંગજનો માટે અવરોધમુક્ત વાતાવરણનું નિર્માણ જેવા મહત્ત્વના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ, બાળકો, વૃદ્ધો, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અને જરૂરિયાતમંદ નાગરિકો સહિત સમાજના દરેક વર્ગ સુધી વિભાગની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ સરળતાથી અને અસરકારક રીતે પહોંચાડી શકાય તે માટેના ઉપાયો અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. શિબિરમાં વિભાગ ઉપરાંત તેના ત્રણ મુખ્ય ખાતા - અનુસૂચિત જાતિ કલ્યાણ, વિકસતી જાતિ કલ્યાણ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. શિબિરના આયોજનમા રા.ક.મંત્રી મનીષા વકીલનુ મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયુ હતુ.
શિબિરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો અને સંસ્થાઓ દ્વારા મહત્વપૂર્ણ વિષયો પર પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં પ્રણવ દેસાઇ (દિવ્યાંગજન, founder, VOSAP) દ્વારા, U.S.A. થી ‘દિવ્યાંગજન સશક્તિકરણનું આદર્શ મોડેલ’ (A Model for Disability Empowerment) વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. યુનિસેફ (UNICEF) દ્વારા ‘મિશન વાત્સલ્ય’ (Mission Vatsalya) તેમજ ‘દિવ્યાંગતા અને સામાજિક ન્યાય’ વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યાં હતાં. બી.એમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ (B.M. Institute of Mental Health) દ્વારા માનસિક સ્વાસ્થય અંગે જરૂરી સંસાધનો અને સુસજ્જ્ત્તા અંગે વિગતો રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત શિવમ પોરવાલ (આઇ.આઇ.ટી, પટણા ગ્રેજ્યુએટ દિવ્યાંગજન) પૂણેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘કૃત્રિમ બુદ્ધિમત્તા (AI)ના યુગમાં, દિવ્યાંગજનો માટે સુલભતા અને સમાન તકો’ વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
શિબિરમાં વિભાગની વિવિધ યોજનાઓની સમીક્ષા, તેમાં જરૂરી સુધારાઓ અને આગામી સમયમાં વધુમાં વધુ લાભાર્થીઓ સુધી સેવાઓ ૧૦૦% સેચ્યુરેશન સ્તરે પહોંચાડવા અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ, લોન યોજનાઓ, દિવ્યાંગજન અને બાળ કલ્યાણલક્ષી યોજનાઓ, વિવિધ નિગમોની કામગીરી તેમજ રોસ્ટર સંબંધિત બાબતો પર વિગતવાર વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત વિભાગના આગામી લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ભવિષ્યનો રોડમેપ તૈયાર કરવા તથા ઓનલાઇન/ઓફલાઇન બન્ને રીતે, એક્સપર્ટસ/સંસ્થાઓ/વ્યક્તિઓને જોડી ‘વિઝન 2047’ના પરિપ્રેક્ષ્યમાં વિભાગનું વિઝન અને ભાવિ કાર્યદિશા નક્કી કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ