
- ફૂડ શાખાની તપાસમાં રસોડામાં ખરાબ તેલ અને ખુલ્લી બારીઓની ખામી જણાઈ; પેઢીને ત્રણ દિવસ બંધ રાખવાનો આદેશ.
જામનગર, 27 નવેમ્બર (હિ.સ.) :
જામનગરના નાગનાથ ગેટ વિસ્તારમાં આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ખરીદેલા ચવાણાના પેકેટમાં તળાયેલી ગરોળી નીકળતા ચકચાર મચી ગઈ છે. અડધું પેકેટ ખાઈ લીધા બાદ મૃત ગરોળી ધ્યાને આવતા ફૂડ શાખામાં ફરિયાદ નોંધાઈ હતી. તપાસ દરમિયાન સ્વચ્છતામાં બેદરકારી અને અગાઉના દંડ છતાં સુધારો ન થતા પેઢીને ત્રણ દિવસ માટે બંધ કરાવવામાં આવી છે.
બે-ત્રણ દિવસ અગાઉ નાગનાથ ગેટ પાસે આવેલી સુરેશ ફરસાણ એન્ડ સ્વીટમાંથી ચવાણાનું પેકેટ ખરીદીને ઘરે લઈ જવાયું હતું. ગઈકાલે પેકેટ ખોલીને ચવાણું ખાવાનું શરૂ કર્યા બાદ અડધું પેકેટ ખાઈ લેવાયું ત્યારે અંદર તળાયેલી હાલતમાં મૃત ગરોળી જોવા મળી હતી. ત્યારબાદ તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાને જાણ કરવામાં આવી હતી અને પેકેટ લઈને ફૂડ શાખાની ટીમ સાથે દુકાને જઈ દુકાનદાર તથા અધિકારીઓ સમક્ષ પેકેટ ખોલીને ગરોળી બતાવવામાં આવી હતી.
ફરિયાદના આધારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના મુખ્ય અધિકારી નિલેશ પી. જાસીલીયા અને ટીમે દુકાન તથા ફરસાણ બનાવવાના રસોડામાં સઘન તપાસ કરી હતી. તપાસમાં રસોડામાં ફરસાણ બનાવવા માટે વપરાતું ખરાબ તેલ મળી આવતા તેના સહિત ખાદ્યચીજોના નમૂના લેવામાં આવ્યા હતા. રસોડાની બારીઓ ખુલ્લી હોવાથી ગરોળી કે અન્ય જીવજંતુઓ અંદર પ્રવેશી શકે તેવી સ્થિતિ જણાતા તમામ બારીઓ પર જાળી લગાવવા સહિત જરૂરી સુધારા કરવા કડક સૂચના આપવામાં આવી હતી.
ફૂડ શાખાના અધિકારીના જણાવ્યા મુજબ, આ પેઢીની ગત 13 ઓક્ટોબરના રોજ પણ તપાસ કરાઈ હતી અને સ્વચ્છતા તેમજ ખાદ્ય સુરક્ષાની ખામીઓ અંગે સૂચના આપી રૂ. 5,000નો દંડ ફટકારાયો હતો. અગાઉ સૂચવેલા સુધારાનો અમલ ન થતા લોકઆરોગ્યના હિતમાં હાલ પૂરતી પેઢીને ત્રણ દિવસ બંધ કરાવી છે. જરૂરી સુધારા પૂર્ણ કરી, સંબંધિત દસ્તાવેજો રજૂ કરી અને ફૂડ શાખાની આગામી મંજૂરી મેળવ્યા બાદ જ દુકાન ફરી શરૂ કરી શકાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt