
Gujarat, 03 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના છાયા વિસ્તારમાં સામાન્ય પ્લોટમાં
ગેટ મૂકવાની કામગીરીએ ઉગ્ર સ્વરૂપ ધારણ
કર્યું હતું. છાયા પંચાયત ચોકી નજીક આવેલા વૈશાલી નગરમાં
પ્લોટમાં ગેટ મૂકવાના મુદ્દે એક પરિવાર સાથે
બોલાચાલી થયા બાદ છ શખ્સોએ ભેગા મળી લાકડી અને
લાકડાના ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે.
હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર લેવાની ફરજ
પડી હતી.આ બનાવ અંગે વૈશાલી નગરમાં રહેતા
હિરેનભાઈ નટવરલાલ પાઉં (ઉ.વ. 54)એ કારાભાઈ રામાભાઈ ભુતીયા, તેમના પુત્રો કેતન અને કિશોર, રાંભીબેન તથા અન્ય બે મહિલાઓ સહિત છ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આશરે દોઢ વર્ષ પહેલાં હિરેનભાઈએ પોતાના મકાનને અડીને
એક પ્લોટ ખરીદ્યો હતો.આ પ્લોટમાં ગેટ મૂકવાની કામગીરી ચાલી
રહી હતી ત્યારે આરોપીઓ ત્યાં ધસી આવ્યા હતા અને
હિરેનભાઈ તથા તેમના પરિવારના સભ્યોને ગાળો ભાંડી
હતી.બોલાચાલી ઉગ્ર બનતાં આરોપી નં. 1 થી 3એ લાકડીઅને
લાકડાના ધોકા વડે હિરેનભાઈના પુત્ર કિશન પર હુમલો કર્યો હતો. જેમાં તેના માથાના પાછળના ભાગે પાંચથી છ ટાંકા લેવા પડ્યા હતા અને
જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી
હતી. એટલું જ નહીં, હિરેનભાઈ, તેમનાં પત્ની હેતલબેન અને ભાઈ કમલભાઈને પણ ઢીકા પાટુનો માર મારવામાં
આવ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.હુમલા ખોરોએ પરિવારના સભ્યોને જાનથી
મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ
ફરિયાદમાં કરવામાં આવ્યો છે. છ વ્યક્તિઓએ એકસંપ
કરીને લાકડી-ધોકા જેવાં હથિયારો સાથે હુમલો કરી
જાહેરનામાનો ભંગ કર્યો હોવા અંગે પોલીસ ફરિયાદ
નોંધાવવામાં આવી છે. આમ, પોતાના જ પ્લોટમાં ગેટ મૂકવાની કામગીરી દરમિયાન થયેલી તકરારે મારામારીનું
સ્વરૂપ ધારણ કરતાં વૈશાલીનગર વિસ્તારમાં ચકચાર મચી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya