
ભાવનગર,03 નવેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે ટિકિટ ચેકિંગના ક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરતાં 2 નવેમ્બર, 2026ના રોજ એક જ દિવસમાં 11.61 લાખની રેકોર્ડ આવક મેળવી છે. આ દરમિયાન યોગ્ય ટિકિટ વિના અથવા અનિયમિત રીતે મુસાફરી કરતા કુલ 1,198 કેસ નોંધવામાં આવ્યા હતા. ભાવનગર મંડળનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ એકદિવસીય ટિકિટ ચેકિંગ પ્રદર્શન છે.
પશ્ચિમ રેલવેના વાણિજ્ય વિભાગ દ્વારા ટિકિટ ચેકિંગ અભિયાન અસરકારક રીતે ચલાવવામાં આવી રહ્યું છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે મંડળે મે 2022માં એક જ દિવસમાં પ્રાપ્ત થયેલી . 9.50 લાખની પોતાની અગાઉની રેકોર્ડ આવકને પાછળ છોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ માત્ર રેલવેની આવકની વસૂલાતની દૃષ્ટિએ જ નહીં, પરંતુ મુસાફરોમાં યોગ્ય ટિકિટ લઈને મુસાફરી કરવા અંગે જાગૃતિ વધારવાની દિશામાં પણ મહત્ત્વપૂર્ણ છે.
મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્માએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ વાણિજ્ય વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમની સમર્પણભાવના, સખત મહેનત અને ઉત્કૃષ્ટ કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીમ ભાવના અને સતત પ્રયત્નોથી જ આવી સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે.
ભાવનગર મંડળ મુસાફરોને અપીલ કરે છે કે તેઓ હંમેશાં યોગ્ય અને માન્ય મુસાફરી ટિકિટ લઈને જ રેલવે મુસાફરી કરે તથા રેલવેના નિયમોનું પાલન કરે. આનાથી માત્ર રેલવેની આવકના સંરક્ષણમાં જ સહયોગ મળશે નહીં, પરંતુ તમામ મુસાફરો માટે સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સુખદ મુસાફરી સુનિશ્ચિત કરવામાં પણ મદદ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ