
તહેવારોની મોસમમાં આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે મ્યુનિ. કોર્પોરેશનના કડક પગલાં
રાજકોટ, 03 નવેમ્બર (હિ.સ.)
દિવાળીના તહેવારો નજીક આવતાં જ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ શાખા દ્વારા ખાણીપીણીની ચીજવસ્તુઓમાં થતી ભેળસેળને ડામવા માટે સઘન ચેકિંગ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 27 જેટલી પેઢીઓમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાંથી વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કરવાની સાથે નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે દંડની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.
તપાસ દરમિયાન કુવાડવા રોડ, પરાબજાર, કોઠારીયા રોડ, સરદારનગર, કોટેચાનગર અને ગાંધીગ્રામ સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનોને આવરી લેવામાં આવી હતી. કોઠારીયા રોડ પર આવેલા 'ભગવતી ફૂડ ઝોન' અને 'ધ કાઠીયાવાડી ચુલો'માંથી મળી આવેલો આશરે 18 કિલો જેટલો વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થોનો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ બંને પેઢીઓને નોટિસ પાઠવીને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
આ ડ્રાઇવ દરમિયાન ફૂડ વિભાગની ટીમે મિઠાઈઓ, ડ્રાયફ્રુટ્સ, ફરસાણ અને મુખવાસ સહિતના વિવિધ ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે કુલ 14 જેટલા શંકાસ્પદ નમૂનાઓ (સેમ્પલ) પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત, હાઈજેનિક કન્ડિશન જાળવવામાં નિષ્ફળ રહેનાર અને લાયસન્સ સંબંધિત નિયમોનો ભંગ કરનાર પેઢીઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે કુલ 7,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
તહેવારોની સિઝનમાં નાગરિકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે દરોડા અને ચેકિંગની કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt