
'નો ડ્રગ્સ ઇન ઈસ્ટ કચ્છ' અભિયાન હેઠળ SOGની કાર્યવાહી, મોબાઈલ અને નંબર પ્લેટ વગરની બલેનો કાર સહિત રૂ.5.88 લાખનો મુદ્દામાલ કબજે
કચ્છ, 03 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર અને હેરફેર સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા 'NO DRUGS IN EAST KUTCH CAMPAIGN' અંતર્ગત ગાંધીધામ SOGને વધુ એક સફળતા મળી છે. પોલીસની ટીમે ગાંધીધામમાં એક કારમાંથી પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન (MD)નો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ, મોબાઈલ ફોન, રોકડ રકમ અને કાર સહિત કુલ રૂ.5,88,150નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં નશીલા પદાર્થોના સેવન, વેચાણ અને હેરફેરની પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ તંત્રને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના અનુસંધાને SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા નશીલા પદાર્થોના વેપાર સાથે સંકળાયેલા તત્વો પર નજર રાખવામાં આવી રહી હતી.
આ દરમિયાન SOGની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે કિશનકુમાર બીજલારામ મકવાણા નામનો શખ્સ પોતાની બ્લ્યુ કલરની મારુતિ બલેનો કારમાં મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો રાખીને વેચાણના ઇરાદે સ્કાય વન સોસાયટીની બાજુમાં આવેલી શિવધારા સોસાયટી નજીક રોડ પર ઊભો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી શંકાસ્પદ કારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન કારમાં હાજર એક શખ્સ પાસેથી 26 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂ.78,000 હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આ મામલે કિશનકુમાર સ/ઓ બીજલારામ મકવાણા (મેઘવાળ), ઉંમર વર્ષ 32, હાલે રહે. મહેશ્વરીનગર, ગાંધીધામ અને મૂળ ધનાઉ ગામ, તાલુકો ચૌહટન, જિલ્લો બાડમેર (રાજસ્થાન)ની અટકાયત કરી છે. તેની સામે NDPS એક્ટ-1985 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
કબજે કરાયેલા મુદ્દામાલમાં 26 ગ્રામ મેફેડ્રોન ઉપરાંત રૂ.10 હજારનો ઓપ્પો F31 5G મોબાઈલ, રૂ.150 રોકડા, આધારકાર્ડ તથા અંદાજે રૂ.5 લાખની કિંમતની નંબર પ્લેટ વગરની મારુતિ બલેનો કારનો સમાવેશ થાય છે. આ રીતે કુલ રૂ.5,88,150નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ કામગીરી SOG પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આ નશીલા પદાર્થનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને વેચવાનો હતો તે સહિતની બાબતો અંગે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા શખ્સોનાં નામ બહાર આવે તેવી પણ શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar