
કચ્છમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી અને સંગ્રહના ધંધા સામે પૂર્વ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વારંવાર પ્રોહિબીશનના ગુનાઓમાં સંડોવણી સામે આવતા ત્રણ શખ્સો સામે PASA હેઠળ અટકાયતના આદેશ કરવામાં આવ્યા છે.
કચ્છ, 03 નવેમ્બર (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યની સરહદ બહારથી પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો મંગાવીને કચ્છમાં તેનો સંગ્રહ, વેચાણ અને હેરાફેરી કરતા તત્વો સામે હવે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ જ અભિયાનના ભાગરૂપે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા ત્રણ શખ્સો સામે PASA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ તેમાં વારંવાર સંડોવાતા શખ્સો સામે કડક પગલાં લેવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને LCB અને અંજાર પોલીસ દ્વારા સંબંધિત શખ્સોની ગુનાહિત પ્રવૃત્તિઓ અંગેની વિગતો એકત્રિત કરી PASA હેઠળ અટકાયત માટેની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્ત પોલીસ અધિક્ષક મારફતે કચ્છ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયાએ ત્રણેય દરખાસ્તોને મંજૂરી આપીને PASA વોરંટ ઇશ્યૂ કરતાં LCBની ટીમે કાર્યવાહી કરી આરોપીઓને અટકાયતમાં લીધા હતા. જેમાં ગળપાદરના નવાવાસમાં રહેતા 24 વર્ષીય રાહુલ વિનોદભાઈ ચૌહાણ, ગળપાદરના શાંતિધામ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય દિનેશ ઉર્ફે બંટી પકારામ મીણા અને 34 વર્ષીય દિલીપ મોડારામ મીણાનો સમાવેશ થાય છે. દિનેશ અને દિલીપ મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના બાલી તાલુકાના સેવાડી ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રાહુલ ચૌહાણ વિરુદ્ધ અંજાર, ગાંધીધામ એ ડિવિઝન અને આદિપુર સહિતના પોલીસ મથકોમાં પ્રોહિબીશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે દિનેશ મીણા સામે ગાંધીધામ બી ડિવિઝનમાં બે પ્રોહિબીશનના કેસ નોંધાયેલા છે. દિલીપ મીણા સામે પણ ગાંધીધામ બી ડિવિઝન અને અંજાર પોલીસ મથકમાં પ્રોહિબીશન સહિતના કુલ પાંચ ગુનાઓ નોંધાયેલા હોવાનું જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar