


અબડાસા તાલુકામાં ફ્લાઈંગ સ્ક્વોર્ડની મોટી કાર્યવાહી, એક લોડર, એક ડમ્પર અને એક ટ્રક સહિત ત્રણ વાહનો સીઝ કરી પોલીસને સોંપાયાં
કચ્છ, 03 નવેમ્બર (હિ.સ.) : કચ્છ જિલ્લામાં કુદરતી ખનિજ સંપત્તિની થતી ગેરકાયદેસર ઉઠાંતરી અને ખનિજ ચોરીની પ્રવૃત્તિઓને અટકાવવા સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી તેજ બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને નદી વિસ્તારોમાંથી સાદી રેતીનું બિનઅધિકૃત ખનન કરી તેનું પરિવહન કરવામાં આવતું હોવાની વારંવાર મળતી ફરિયાદોને પગલે ખાણ-ખનિજ વિભાગના ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અબડાસા તાલુકાના કોઠારા-ભેદી ગામ નજીક નદી વિસ્તારમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજે રૂ.50 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવતાં ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.
માનનીય જિલ્લા કલેક્ટરશ્રી, કચ્છના માર્ગદર્શન હેઠળ ભુજ સ્થિત મદદનીશ નિયામકશ્રી, ફ્લાઈંગ સ્ક્વોર્ડની કચેરી દ્વારા ખનિજ ચોરી અંગે મળતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત અધિકારીઓ દ્વારા ખાનગી વાહનનો ઉપયોગ કરીને અબડાસા તાલુકાના કોઠારા-ભેદી ગામને અડીને આવેલા નદી વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને તેનું પરિવહન થતું હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન અધિકારીઓએ ખનિજ ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતાં એક લોડર મશીન, એક ડમ્પર તથા એક ટ્રકને અટકાવી કબજામાં લીધાં હતાં. પ્રાથમિક તપાસમાં આ વાહનો સાદી રેતીના ગેરકાયદેસર ખનન અને પરિવહન સાથે સંકળાયેલાં હોવાનું જણાતાં તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જપ્ત કરવામાં આવેલા ત્રણેય વાહનોની અંદાજિત કિંમત સહિત કુલ રૂ.50 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ત્યારબાદ તમામ વાહનોને સીઝ કરી તેમની કસ્ટડી કોઠારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે. આ સમગ્ર મામલે ખાણ-ખનિજ વિભાગ દ્વારા નિયમોનુસારની આગળની કાર્યવાહી હાલ ચાલુ છે.
કચ્છના નદી વિસ્તારોમાં ખનિજ ચોરી અટકાવવા તંત્રની આ કાર્યવાહીને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. હવે તપાસમાં ગેરકાયદે ખનન પાછળ કોની સંડોવણી છે અને આ પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી તે સહિતની વિગતો સામે આવે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar