
સુરત, 03 નવેમ્બર (હિ.સ.) સુરતના કિરણ ચોક નજીક બાપા સીતારામ ફાર્મ પાસે ગઈકાલે મોડી રાત્રે રસ્તા પર લગાવવામાં આવેલા ફટાકડાના સ્ટોલમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગે જોતજોતામાં નજીકના અન્ય સ્ટોલને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. ફટાકડાઓમાં એક પછી એક જોરદાર ધડાકા થવા લાગતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. રોકેટ સહિતના ફટાકડા આડેધડ ફૂટતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગની જ્વાળાઓ વાહનો સુધી ન પહોંચે તે માટે કેટલાક લોકોએ જોખમ વચ્ચે પોતાના વાહનોને ત્યાંથી હટાવ્યાં હતાં. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
આ ઘટનામાં ફટાકડાનું વેચાણ કરીને રોજીરોટી કમાતા પરિવારોને ભારે આર્થિક નુકસાન થયું હતું. આંખ સામે આખો માલ બળીને ખાખ થતાં પરિવારની મહિલાઓ રડી પડી હતી. વર્ષભરની મહેનત અને એકત્ર કરેલી મૂડી આગમાં નષ્ટ થતાં પરિવારો પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે