ગુજરાત યુનિવર્સિટીમાં કચરા કૌભાંડ,ટેન્ડર વગર કામ સોંપી નુકસાન પહોંચાડ્યાનો એનએસયુઆઈનો આક્ષેપ
અમદાવાદ,03 નવેમ્બર (હિ.સ.) ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિને લઈને રોજ રોજ નવા કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે હવે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગ દ્વારા કચરામાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગુજર
Gujarat University,


અમદાવાદ,03 નવેમ્બર (હિ.સ.) ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિને લઈને રોજ રોજ નવા કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે હવે એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીના એસ્ટેટ વિભાગ દ્વારા કચરામાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી કચરો ઉપાડવાના નામે ટેન્ડર વગર પ્રક્રિયા કરી ધ્રુવ કોર્પોરેશનને કામ આપી દેવામાં આવ્યું હોવાનો પણ દાવો કરાયો છે. તેમજ છેલ્લા 6 વર્ષથી પીરાણા ડમ્પિંગ સાઇટ સુધી કચરો લઈ જવા માટે એક ડમ્પર દીઠ 8 હજાર રૂપિયા આપી કરોડો રૂપિયાનું ગુજરાત યુનિવર્સિટીને નુકસાન પહોંચાડ્યું હોવાથી ધ્રુવ કોર્પોરેશનને ટેન્ડર વગર આપવામાં આવેલો કોન્ટ્રાક્ટ રદ કરવા એનએસયુઆઈ દ્વારા માગ કરાઈ છે.

ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ કૌભાંડને લઈને તપાસ ચાલી રહી છે. જો કે, તે વચ્ચે કચરામાં પણ મળતિયાઓને ફાયદો કરાવવા માટે કોન્ટ્રાક્ટ આપી કૌભાંડનો એનએસયુઆઈ દ્વારા આક્ષેપ કરાયો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં અલગ-અલગ વિભાગ અને કેમ્પસમાંથી કચરો એકઠો કરીને એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે. તે કચરો ડમ્પિંગ સાઇટ સુધી ઠાલવવા માટે ધ્રુવ કોર્પોરેશન નામની કંપનીને કોન્ટ્રાક્ટ અપાયો છે. અંદાજે 6 વર્ષથી ધ્રુવ કોર્પોરેશન ડમ્પિંગ સાઇટ સુધી કચરો ઠાલવવાની કામગીરી કરતી હોવાનો એનએસયુઆઈએ દાવો કર્યો છે.uધ્રુવ કોર્પોરેશન નામની કંપનીને કોઈપણ પ્રકારના ટેન્ડર વગર કામગીરી સોંપવામાં આવી હોવાનો NSUIએ દાવો કર્યો છે. જેમાં મળતિયાઓને ફાયદો કરાવવા વગર ટેન્ડર કામગીરી સોંપવામાં આવી હોવાનો પણ એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે. જો કે એટલું જ નહીં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કચરો ડમ્પિંગ સાઇટ સુધી ઠાલવવાની કામગીરી એક ડમ્પર 2500 રૂપિયામાં કરે છે, તે જ કામગીરી ત્રણ ગણા ભાવ સાથે એટલે કે પીરાણા ડમ્પિંગ સાઇટ સુધી ડમ્પર લઈ જવા માટે એક ડમ્પર દીઠ 8 હજાર રૂપિયા આપવામાં આવતા હોવાનો આક્ષેપ કરી તપાસની માગ કરી છે.

ગુજરાત એનએસયુઆઈના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં કોઈની નજર ન પડે તે રીતે કોઈપણ પ્રકારના ટેન્ડર કે જાહેરાત વગર 60 લાખ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી રહી છે. જેમાં એકાઉન્ટથી લઈને ઓડિટ સુધી અને એસ્ટેટ વિભાગથી લઈને રજિસ્ટ્રાર સુધીના લોકો સંડોવાયેલા છે. યુનિવર્સિટીમાં કચરો સાફ કરવા માટે સન નામની કંપનીને દર મહિને 22 લાખ રૂપિયા ચૂકવીને કચરો સાફ કરવાનું ટેન્ડર આપવામાં આવેલું છે. તેમ છતાં, ધ્રુવ કોર્પોરેશન નામની અન્ય એક કંપનીને ગુજરાત યુનિવર્સિટીમાંથી એકઠો થતો કચરો પીરાણા ડમ્પિંગ સાઇટ સુધી નાખવાનું કામ સોંપવામાં આવ્યું છે.

ત્રણ ઘણા ભાવ સાથે કામગીરી સોંપવામાં આવી હોવાના આક્ષેપ સાથે વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું કે, જે માટે ધ્રુવ કોર્પોરેશનને એક ડમ્પર દીઠ 8000 રૂપિયા ચૂકવવામાં આવે છે. દર મહિને લાખો રૂપિયા સુધીની રકમ ટેન્ડર બહાર પાડ્યા વિના જ ચૂકવવામાં આવે છે. તેમજ એએમસીમાં કચરો ડમ્પિંગ સાઇટ લઈ જવાનો ભાવ કઢાવવામાં આવ્યો, ત્યારે એએમસીનો દર માત્ર 2000થી 2500 રૂપિયા જેટલો છે. એક સરકારી સંસ્થા તરીકે આ કામ કોઈ સરકારી એજન્સીને જ સોંપવું જોઈતું હતું જેથી યુનિવર્સિટીના નાણાં બચે અને તેનો ઉપયોગ વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાં થઈ શકે. પરંતુ ત્રણ ગણા ભાવ આપી ધ્રુવ કોર્પોરેશનને કામગીરી ટેન્ડર વગર સોંપવામાં આવી છે.

'તપાસ કરીને કંપનીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરો'

ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશીએ જણાવ્યું કે, વિદ્યાર્થી સંગઠને રજૂઆત કરી છે કે, કચરો ડમ્પિંગ સાઈટ સુધી પહોંચાડવા ધ્રુવ કોર્પોરેશનને સામાન્ય દર કરતા વધુ દરે કામગીરી સોંપાઈ છે. તપાસમાં ગેરરીતિ સામે આવશે તો પગલા પણ ભરીશું. સામાન્ય રીતે દસ લાખથી વધુનો જો કોઈ ખર્ચ થતો હોય તો તેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવી જરૂરી હોય છે. આ બાબતમાં છેલ્લા કેટલાક વર્ષથી કેમ આવું ચાલી રહ્યું છે? તેની હકીકત લક્ષી તપાસ કરીશું. જો એએમસી ધ્રુવ કોર્પોરેશન કરતા ઓછા ભાવે કામગીરી કરતી હશે તો અમે તપાસ કરીને તેને કામગીરી સોંપીશું. ટેન્ડર વગર પ્રક્રિયા થઈ જશે તો નિયમ અનુસાર કાર્યવાહી કરીશું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande