
પોરબંદર, 04 નવેમ્બર (હિ.સ.) : પરિવારના સભ્ય સાથે થયેલા ઝઘડાબાદ પિતાએ ઠપકો આપતાં ઘરેથી નીકળી ગયેલી પંચમહાલ જિલ્લાના ગોધરા વિસ્તારની યુવતી પોરબંદર રેલવે સ્ટેશન પરથી મળી આવી હતી. રેલવે પોલીસની જાણના આધારે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને મદદ કરી પરિવારનો સંપર્ક સાધ્યો હતો.
રેલવે સ્ટેશન પર યુવતી મળી આવતાં રેલવે પોલીસે તેની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 181 અભયમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. ત્યારે અભયમની ટીમના સભ્ય કાઉન્સેલર મીરા માવદિયા, કોન્સ્ટેબલ સેજલબેન પંપાળિયા અને પાયલોટ દાનાભાઈ કટારા સ્થળપર પહોંચી યુવતીને આશ્વાસન આપ્યું હતું. શરૂઆતમાં ગભરાયેલી યુવતીનું કાઉન્સેલિંગ કરતાં તેણે જણાવ્યું હતું કે, મોટા બહેન સાથે ઝઘડો થતાં પિતાએ ઠપકો આપ્યો હતો. આ વાત મનમાં લાગી આવતાંતે બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ રેલવે સ્ટેશન પહોંચીને ઉપડતી ટ્રેનમાં બેસી ગઈ હતી અને પોરબંદર આવી પહોંચી હતી. ઘરે પરત જવું હતું, પરંતુ શું કરવું તેની સમજ ન પડતાં સ્ટેશન પરજ બેસી રહી હતી.અભયમ ટીમે ગોધરા પોલીસના સંપર્ક દ્વારા યુવતીના પરિવાર સુધી પહોંચીને તેના પિતાને પુત્રી સુરક્ષિત હોવાની જાણ કરી હતી. પિતાએ તેને લેવા આવવાનું જણાવ્યું હતું.
યુવતીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya