


પોરબંદર, 04 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલા વૈશાલીનગરમાં પ્લોટના વિવાદને લઈને સ્કૂલ સંચાલક અને તેમના પરિવારજનો પર હુમલો કરવાના બનાવમાં કમલાબાગ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે પુરુષ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ
ઉપરાંત આરોપીઓ પાસે જાહેરમાં માફી પણ મંગાવવામાં આવી હતી.
મળતી વિગતો અનુસાર, છાંયા પંચાયત ચોકી પાસે વૈશાલીનગરમાં રહેતા અને ખાનગી સ્કૂલનું સંચાલન કરતા હિરેનભાઈ નટવરલાલ પાઉંએ આશરે દોઢ વર્ષ પહેલાં પોતાના ઘરની બાજુમાં પ્લોટ ખરીદ્યો હતો. આ પ્લોટમાં ગેટ મૂકવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે કારા રામા ભૂતિયા, કેતન કારા, કિશોર કારા ભૂતિયા, રાંભીબેન કારા તેમજ કિશોર અને કેતનની પત્નીઓ સહિત 6 શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. આરોપીઓએ હિરેનભાઈ તથા તેમના પરિવારજનો સાથે ગાળાગાળી કરી હુમલો કર્યો હતો.
દરમિયાન હિરેનભાઈના પુત્ર કિશનને લાકડીઅને લાકડાના ધોકા વડે માર મારવામાં આવતાં તેના માથાના પાછળના ભાગે 5થી 6 ટાંકા લેવા પડ્યા હતા, જ્યારે જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચી હતી.
ઉપરાંત હિરેનભાઈ, તેમનાં પત્ની હેતલબેન અને ભાઈ કમલભાઈને પણ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.આ બનાવ અંગે કમલાબાગ પોલીસે 3 મહિલા સહિત કુલ 6 આરોપીઓ
સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે પુરુષ આરોપીઓને ઘટના સ્થળે લઈજઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી હતી. સમગ્ર મામલે કમલાબાગ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya