
ભાવનગર, 04 નવેમ્બર (હિ.સ.) : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહનો સામે ઓક્ટોબર-૨૦૨૬ દરમિયાન વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કુલ ૧૪ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જ્યારે ૧૫૮ વાહનોને મેમો ઇસ્યુ કરીને કુલ ૧,૨૦,૫૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
ભાવનગર એસ.ટી. વિભાગની સુરક્ષા શાખા દ્વારા રસ્તાઓ પર બિનઅધિકૃત રીતે મુસાફરોનું વહન કરતા થ્રી-વ્હીલર ટેમ્પો, મેજિક રિક્ષા, મિની બસ સહિતનાં વાહનો સામે ક્લેન્ડેસ્ટાઇન ઓપરેશન (સી.ઓ.) અંતર્ગત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ. વિભાગનો સહયોગ લેવામાં આવ્યો હતો.
સંયુક્ત ટીમ દ્વારા વિવિધ માર્ગો પર વાહનોનું ચેકિંગ કરીને પરવાનગી વિના મુસાફરોની હેરાફેરી કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમોનો ભંગ કરતા વાહનોને ડિટેઈન કરવા, મેમો ઇસ્યુ કરવા તેમજ સ્થળ પર જ દંડ વસૂલવા જેવી કામગીરી કરવામાં આવી હતી.
એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોને સુરક્ષિત અને નિયમિત પરિવહન સેવા પૂરી પાડવાની સાથે ગેરકાયદે મુસાફર વહન પર નિયંત્રણ લાવવા માટે પણ નિયમિત રીતે આવી ઝુંબેશ ચલાવવામાં આવે છે. આગામી સમયમાં પણ ટ્રાફિક પોલીસ અને આર.ટી.ઓ.ના સહયોગથી આવી કામગીરી ચાલુ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA